હરિયાણામાં પણ કતલખાના સામે નવ દિવસનો પ્રતિબંધ

ફતેહાબાદ : ધાર્મિક પર્વને અનુલક્ષીને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકનારા સત્તાવાળાઓની યાદીમાં સામેલ થતાં ફતેહાબાદ મ્યુનિસિપલ કાઉન્સિલે (એફએમસી)પણ જૈનોના પર્વ પર્યૂષણ નિમિત્તે પશુઓની કતલ કરવા પર નવ દિવસનો પ્રતિબંધ ફરમાવ્યો છે. એફએમસી દ્વારા કતલખાનાના માલિકોને જારી કરવામાં આવેલી નોટિસમાં જૈનોના પર્વ પર્યૂષણ નિમિત્તે પશુઓની કતલ કરવા પર નવ દિવસનો પ્રતિબંધ ફરમાવ્યો છે.

એફએમસી દ્વારા ગઈકાલથી અમલમાં આવેલા આ આદેશનો ભંગ કરવાના સંજોગોમાં કાયદેસર કાર્યવાહીની પણ તેમને ચેતવણી આપવામાં આવી છે.જૈનોના પર્વ પર્યૂષણ દરમ્યાન માંસના વેચાણ પર પ્રતિબંધને લઈને મહારાષ્ટ્રના કેટલાંક ભાગોમાં અને રાજસ્થાનમાં વિવાદ સર્જાયો છે તેવા સંજોગોમાં એફએમસીએ આ પગલું લીધું છે. છત્તીસગઢ સરકારે પર્યૂષણ અને ગણેશચતુર્થી તહેવારો નિમિત્તે માંસનું વેચાણ બંધ રાખવા ગઈકાલે આદેશ આપ્યો હતો.

જ્યારે લુધિયાણા પોલીસ કમિશનર દ્વારા આગામી ૧૭મી સપ્ટેમ્બરે જૈનોના પર્વ સંવત્સરી નિમિત્તે માંસાહારી ચીજવસ્તુઓના વેચાણ પર એક દિવસનો પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે, વ્યાપક વિરોધ અને ટીકા તેમજ હાઈકોર્ટની ટિપ્પણીને અનુલક્ષીને મુંબઈ મહાનગરપાલિકાએ પશુઓની કતલ અને માંસના વેચાણ પરનો બે દિવસનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

હાઈકોર્ટે કહ્યું હતું કે મુંબઈ જેવા શહેરમાં આવા પ્રતિબંધ લાદી શકાય નહીં.  મહાનગરપાલિકાના આ નિર્ણયને લીધે હવે માત્ર ૧૭મી સપ્ટેમ્બરે જ પ્રતિબંધ રહેશે.હરિયાણાના શહેરી સ્થાનિક સ્વરાજ્ય મંત્રી કવિતા જૈને અગાઉ જણાવ્યું હતું કે  મ્યુનિસિપલ કોર્પોરેશનોના કમિશનરો, ડેપ્યુટી કમિશનરો અને અધિકારીઓ તેમજ મ્યુનિસિપાલિટીઓને આ સમયગાળા દરમ્યાન પશુઓની કતલ ન કરવા માટે કતલખાનાના માલિકોને અપીલ કરવા જણાવાયું હતું.  તેમણે ઉમેર્યું હતું કે જૈન સમાજના પ્રતિનિધિઓ તેમને મળ્યા હતા અને પર્યૂષણ પર્વ દરમ્યાન પશુઓની કતલ પર પ્રતિબંધ મૂકવા  વિનંતી કરી હતી.

You might also like