ગુડગાંવઃ અહીંની એક ફેક્ટરીમાં કામ કરતા રોબોટના સકંજામાં આવતાં એક મજૂરનું મૃત્યુ થયું છે. આ ઘટના માનેસરના એસ.કે.એચ. પ્લાન્ટમાં થઈ હતી. આ કંપની મારુતિ કાર માટે ફ્યૂઅલ ટેન્ક બનાવે છે. કંપનીનું કહેવું છે કે ૨૪ વર્ષનો મજૂર રામજીલાલ કામ કરતાં કરતાં રોબોટ એરિયામાં પહોંચી ગયો હતો. આ દરમિયાન રોબોટિક આર્મ તેના શરીરની આરપાર પસાર થયાં હતાં અને પછી રોબોટે તેના પર મેટલશીટ ફેંકતાં મજૂર ગંભીરપણે ઘાયલ થયો હતો તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. દેશમાં રોબોટના હાથે મૃત્યુ થયાનો પ્રથમ કિસ્સો છે.
યુપીના ઉનાવમાં રહેતો રામજી દોઢ વર્ષથી એસકેએચ કંપનીમાં લોડર તરીકે કામ કરતો હતો. તે વેલ્ડિંગ યુનિટમાં હતો. જ્યાં રોબોટિંગ વેલ્ડિંગ લાઈન્સ પણ હતી. આ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. એ વખતે ૬૩ કામદારો અને ૩૯ રોબોટ ડ્યૂટી પર હતા. રામજીના એક સાથી મજૂરના જણાવ્યા પ્રમાણે રોબોટ મેટલશીટ્સ વેલ્ડિંગ માટે પ્રિ-પ્રોગ્રામ્ડ હોય છે. આ દરમિયાન એક મેટલશીટ નીચે પડી ગઈ હતી.
રામજી ભૂલથી રોબોટની સામે પહોંચી ગયો હતો, જેથી મેટલશીટ ફીટ કરી શકાય. દરમિયાન રોબોટે તેને કમરથી ઊંચકીને વેલ્ડિંગ સેકશનમાં ફેંકી દીધો હતો અને આ દરમિયાન રોબેટિંગ આર્મ તેમના શરીરમાં ઘૂસી જતાં તેનું મૃત્યુ થયું હતું.