હજમાં ભાગદોડઃ ધાર્મિક સ્થળો પર ઝડપથી વધતા જતા પડકારો

આજકાલ દુનિયાભરના મુસ્લિમો માટે પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. આ દિવસોમાં લાખો મુસ્લિમો હજ કરવાની પોતાની જીવનભરની આશાને પરિપૂર્ણ કરવા મક્કા જાય છે. હજયાત્રામાં આ વર્ષે શેતાનને પથ્થર મારવાની વિધિ દરમિયાન સેંકડો લોકોના મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. મક્કા શહેરથી થોડા જ અંતરે આવેલા મીના ખાતે આ વિધિ કરવામાં આવે છે. સાઉદી અરેબિયાની સરકાર સતત કોશિશ કરતી રહી છે કે હજ દરમિયાન કોઇ અપ્રિય ઘટના ઘટે નહીં, પરંતુ આટલી જંગી સંખ્યામાં માનવ મેદની એકત્ર થતી હોવાથી ભાગદોડ જેવી દુર્ઘટનાઓ સમયાંતરે થતી રહે છે. તેના કારણે હજયાત્રીઓ જીવ ગુમાવે છે.

હજયાત્રામાં સૌથી વધુ દુર્ઘટનાઓ શેતાનને પથ્થર મારવાની વિધિ દરમિયાન જ થાય છે. આ અગાઉ પણ ર૦૦૧, ર૦૦૪ અને ર૦૦૬માં પણ ભાગદોડમાં મૃત્યુની દુર્ઘટનાઓ ઘટી હતી. સૌથી ભીષણ દુર્ઘટના ૧૯૯૦માં સર્જાઇ હતી. જયારે ૧૪ર૬ હજયાત્રીઓ માર્યા ગયા હતા.

સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કાની નજીક મીના ખાતે આ વર્ષે હજ દરમિયાન ભાગદોડમાં ૭૧૭ લોકોના મૃત્યુ થયાં હતાં અને ૮૬૩થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ૧૪ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. મૃતક ભારતીયોમાં ગુજરાતના નવ, ઝારખંડના બે, તાલિમનાડુના બે અને મહારાષ્ટ્રની એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આમ હજ દુર્ઘટનામાં માર્યા ગયેલા ભારતીયોમાં સૌથી વધુ ગુજરાતની નવ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

છેલ્લા દાયકામાં હજ દરમિયાન થયેલી દુર્ઘટનાઓમાં આ સૌથી ભયાનક દુર્ઘટના હતી. બે મૃતક ભારતીયોની ઓળખ થઈ શકી છે. જેમાં હૈદરાબાદના ૬૦ વર્ષના બી.બી. જાન અને કેરળના મોહમ્મદનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય મૃતક ભારતીયોની ઓળખવિધિ ચાલી રહી છે. 

ઈરાનના સર્વોચ્ચ નેતા અાયાતુલ્લાહઅલી ખોમેનીએ સાઉદ અરબના મક્કા શહેરના મીનામાં હજ દરમિયાન થયેલી ભાગદોડમાં ૭૧૭ લોકોના મોત માટે ત્યાંની સરકારને જવાબદાર ગણાવી હતી. ખોમેનીની વેબસાઈટ પર જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર સાઉદી સરકારે આ દુર્ઘટના માટે જવાબદારી લેવી જોઈએ. આ ભાગદોડ ત્યાંના ગેરવહીવટ અને અવ્યવસ્થાના કારણે થઈ હતી. ઈરાનના તસનીમ અને ફાર્સ સંવાદ સમિતિના જણાવ્યા અનુસાર આ ભાગદોડમાં ૧૨૫ ઈરાની નાગરિકોનાં મોત થયાં છે. 

આ ભાગદોડ એ વિસ્તારમાં થઈ ન હતી જ્યાં સ્તંભ ઉપર પથ્થરો ફેંકવામાં આવે છે. આ દુર્ઘટના સ્ટ્રીટ-૨૦૪ની નજીક જમારાત બ્રિજના પ્રવેશ દ્વાર પાસે બની હતી. અલ જજિરાએ એવો દાવો કર્યો હતો કે આ દુર્ઘટના સ્ટ્રીટ-૨૦૪ નજીક થઈ હતી, પરંતુ સરકારી સાઉદી પ્રેસ એજન્સી અનુસાર શેતાનને પથ્થર મારવાની વિધિ માટે જમા થઈ રહેલા લોકોની ભીડ એકાએક વધી ગયા બાદ આ દુર્ઘટના બની હતી.

આવી દુર્ઘટનાઓનું સૌથી મોટું કારણ એ છે કે દર વર્ષે હજયાત્રીઓની સંખ્યા સતત વધી રહી છે. તમામ ધર્મસ્થળોમાં જોવા મળ્યું છે તેમ વસ્તી વધવાની સાથે તીર્થયાત્રીઓની સંખ્યા વધી રહી છે, પરંતુ તેની સામે જે સગવડો અને સુવિધાઓ વધવી જોઇએ તે વધતી નથી અને તેના પરિણામે આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે.

આમ જ્યારે લાખો લોકો એક સાથે એકત્ર થાય છે ત્યારે ભાગદોડ અને અફરાતફરી થાય તો તે યાત્રિકો માટે ખતરનાક અને જીવલેણ પુરવાર થાય છે. હવે યાત્રાસ્થળો અને ધાર્મિક સ્થળોના વ્યવસ્થાપન અને પ્રબંધનના પડકારો એટલી ઝડપથી વધી રહ્યા છે કે સ્થાનિક પ્રસાસન અને ધાર્મિક નેતૃત્વ તેની સાથે કામ લઇ શકતું નથી. આથી જરૂર છે કે આ પ્રકારના પડકારોના વહીવટી ઉકેલો શોધવામાં આવે.

 

You might also like