હંદવાડામાં અથડામણમાં પાંચ ત્રાસવાદીઓ ઠાર મરાયા

શ્રીનગરઃ શ્રીનગરથી ૧૦૦ કિ.મી. દૂર ઉત્તર કાશ્મીરમાં કુપવાડા જિલ્લાના હંદવાડા વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાક કરતાં વધુ સમય સુરક્ષાદળો અને ત્રાસવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણ અંતે પૂરી થઈ ગઈ છે. આખી રાત ચાલેલી આ અથડામણમાં સુરક્ષાદળોએ પાંચ ત્રાસવાદીઓને ઢાળી દીધા છે. આ અથડામણમાં બે લશ્કરી જવાનો પણ શહીદ થયા છે. 

સુરક્ષાદળોએ એક બાતમીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે સુરક્ષા દળોને આ વિસ્તારમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે આ વિસ્તારને ઘેરાબંધી કરતાં ત્રાસવાદીઓએ ગોળીબાર ચાલુ કરી દેતાં સુરક્ષાદળો અને તેમની વચ્ચે અથડામણો ચાલુ થઈ હતી. 

આ અથડામણ આખી રાત ચાલી હતી. આ અથડામણમાં પાંચ ત્રાસવાદીઓ સહિત બે લશ્કરી જવાનના મૃત્યુ થયાં છે, જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ સુધી બે ત્રાસવાદીઓનાં મૃતદેહ હાથ લાગ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે રાફિયાબાદમાં બે ત્રાસવાદીઓ સાથે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ એક ત્રાસવાદીને ઢાળી દીધો હતો અને બીજો ત્રાસવાદી ત્યાંથી નાસી જવામાં સફળ રહ્યો હતો. તેની શોધમાં સુરક્ષાદળો હંદવાડા પહોંચ્યા હતા. જ્યાં અન્ય સુરક્ષાદળો સાથે કલાકો સુધી અથડામણ ચાલી હતી. સરહદની પેલે પારથી થઈ રહેલી સતત ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા સુરક્ષાદળોએ સરહદ સહિત સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા જાપ્તો ગોઠવી દીધો છે.

વાસ્તવમાં ત્રાસવાદીઓના એવા પ્રયાસો છે કે જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થાય તે પહેલાં તેઓ સરહદ ઓળંગીને ભારતમાં ઘૂસણખોરી કરવા માગે છે. તેને લઈને પાકિસ્તાન મોટા પાયે ભારતમાં ત્રાસવાદીઓને ઘુસાડવાની કોશિશ કરી રહ્યું છે અને તેના પગલે આજકાલ સરહદ પર તેમજ જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદીઓ સાથે સુરક્ષાદળોની અથડામણો વધી રહી છે.

You might also like