સ્વાતંત્ર્ય દિને દેશમાં ખોફનાક આતંકવાદી હુમલાનો ખતરો

નવી દિલ્હીઃ આવતી કાલે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સુરક્ષા એજન્સીએ ૨૬/૧૧ જેવા ખોફનાફ ત્રાસવાદી હુમલાઓની ચેતવણી જારી કરી છે. ત્રાસવાદીઓ સ્વાતંત્ર્ય દિને હવાઈ હુમલા કરી શકે છે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે ત્રાસવાદીઓ નવી દિલ્હી-લાહોર ફ્લાઈટને પણ હાઈજેક કરી શકે છે. એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ત્રાસવાદીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવા પેરાગ્લાઈડરની પણ મદદ લઈ શકે છે.

સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કર્યું છે કે ત્રાસવાદીઓ સ્વાતંત્ર્ય દિને ભાજપના કાર્યાલયોને પણ નિશાન બનાવી શકે છે. ત્રાસવાદી સંગઠનો ભાજપ કાર્યાલયો, વિવિધ રાજ્યોમાં વાણિજ્ય, પર્યટક, ધાર્મિક, ઉડ્ડયન અને રેલવેના માળખાઓને નિશાન બનાવી શકે છે. સુરક્ષા એજન્સીઓએ ગૃહમંત્રાલય સાથે પરામર્શ કર્યા બાદ જણાવ્યું છે કે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી જૂથો અને તેના સંલગ્ન ભારતીય સંગઠનો જેવા કે ઈન્ડિયન મુજાહિદ્દીન અને સીમી પણ આ ત્રાસવાદી હુમલાઓમાં સહાય કરી શકે છે. તમામ સુરક્ષા દળો અને રાજ્ય પોલીસને મોકલવામાં આવેલા એક પત્રમાં ગૃહમંત્રાલય દ્વારા ભારતના નૌકા મથકો પર હુમલો કરવામાં અલ-કાયદા સક્રિય હોવાની પણ ચેતવણી આપવામાં આવી છે. 

સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે અસુરક્ષિત તટીય વિસ્તારો પણ ત્રાસવાદીઓના નિશાન પર છે. ગૃહમંત્રાલયે પોતાના પત્રમાં જણાવ્યું છે કે કોચી સ્થિત દક્ષિણ નેવી કમાન્ડ, આઈએનએસ વેન્દુરથી, મુંબઈ સ્થિત વેસ્ટર્ન નૌકા કમાન્ડ અને અન્ય નૌકાસેનાના મથકોને નિશાન બનાવવામાં આવી શકે છે. 

લશ્કર-એ-તોઈબા કે જૈશ-એ-મહોમ્મદ જેવા ત્રાસવાદી સંગઠનો દિલ્હીના લોટસ ટેમ્પલ, મોલ, મેટ્રો સ્ટેશન, લાલ કિલ્લા કે અન્ય કોઈ મોટા નેતાને નિશાન બનાવી શકે છે એવી પણ ચેતવણી આપવામાં આવી છે.

You might also like