સ્પેક્ટ્રમના ટ્રેડિંગ અંગેની માર્ગદર્શિકાને મંજૂરી અપાઇ

નવી દિલ્હીઃ સ્પેક્ટ્રમની અછતની સમસ્યાના ઉકેલમાં મદદરૂપ થાય તેવા એક પગલામાં કેબિનેટે આજે સ્પેક્ટ્રમ ટ્રેડિંગના નિયમોને કેબિનેટે આજે મંજૂરી આપી હતી. તે અંતર્ગત ટેલિકોમ ઓપરેટર્સ અન્ય સર્વિસ પ્રોવાઈડર્સને રેડિયો વેવ્સ વેચી શકશે. ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે અત્રે જણાવ્યું હતું કે કેબિનેટે આજે સ્પેક્ટ્રમ ટ્રેડિંગને મંજૂરી આપી છે. સ્પેક્ટ્રમના મહત્તમ ઉપયોગ માટે ટેલિકોમ ક્ષેત્ર તેની માગણી કરતું હતું. 

અત્યારે માત્ર સરકાર જ લિલામી દ્વારા ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવી શકે છે. પ્રસાદે ઉમેર્યું ‘માલિકીના હક્કો ભારત સરકાર પાસે જ રહેશે. અમે લિલામી મારફતે ઓપરેટરોને તેના ઉપયોગનો અધિકાર આપીએ છીએ. તમામ બેન્ડમાં સ્પેક્ટ્રમ ટ્રેડિંગ કરી શકાશે. 

ગયા મહિને સરકારે દેશમાં સ્પેક્ટ્રમની અછત નિવારવાના હેતુસર અને ઓપરેટરો સેવા પૂરી પાડવા માટે રેડિયો વેવ્સનો પરસ્પર ઉપયોગ કરી શકે તે માટે સ્પેક્ટ્રમ શેરિંગની માર્ગદર્શિકાને મંજૂરી આપી હતી. જોકે, સરકારે ટ્રેડિંગ દ્વારા મળેલી રકમને એડજસ્ટ કરેલી કુલ આવકમાંથી બાકાત રાખવાની ટેલિકોમ ઉદ્યોગની માગણી પર ધ્યાન આપ્યું નથી. નિયમ મુજબ ટ્રેડિંગમાંથી ઊભી થયેલી આવક લાયસન્સ ફી અને ટેલિકોમ કંપનીઓ પાસેથી વાર્ષિક ધોરણે વસૂલવામાં આવનારા વપરાશ ચાર્જને નક્કી કરવા માટેની ગણતરીના એક ભાગ રૂપ બનશે.  

પ્રસાદે જણાવ્યું હતું કે ટ્રેડિંગ કરાર કરવા માટે ટેલિકોમ ઓપરેટરોને સરકાર પાસેથી પૂર્વ પરવાનગી લેવાની રહેશે નહીં, પરંતુ આવો કરાર કરવાના ૪૫ દિવસ અગાઉ તેની સત્તાવાળાઓને જાણ કરવાની રહેશે. કરાર કરનારા વેચાણકર્તા અને ખરીદદારે એક બાંયધરી આપવી પડશે કે તેમનો કરાર તમામ નીતિનિયમોના પાલનને આધીન રહેશે. પ્રસાદે ઉમેર્યું હતું કે સેમ્પલ ચેકમાં એવું જણાશે કે બાંયધરીમાં કશુંક ખોટું છે તો ટ્રેડિંગ કરાર રદ કરવા સહિતના પગલાં  લેવાશે. ટ્રેડિંગને લીધે રેડિયો વેવ્સના બજાર ભાવ પણ નક્કી થશે. અત્યારે તો તે સરકાર દ્વારા યોજાતી લિલામી દ્વારા જ નક્કી થાય છે.  

એક કંપનીના સહયોગીએ જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમ ટ્રેડિંગને લીધે મોટી કંપનીઓને નવું સ્પેક્ટ્રમ ખરીદવાની અને ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તા સુધારવાની તક મળશે. ભારતમાં પોતાની સ્થિતિ મજબૂત ન બનાવી શકનાર અને નફો રળી ન શકતા હોય તેવા ઓપરેટરોને આ ક્ષેત્રમાંથી નીકળી જવાની તક સ્પેક્ટ્રમ ટ્રેડિંગ દ્વારા મળશે.

 

You might also like