સ્ટંટમાં જાનનું જોખમ હોય છે

સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ માટે કલાક સુધી રાહ જોઈ રહેલા રિપોર્ટરનો થાક ‘હેલ્લો બીડુ, દેર હો હી ગઈ ડાર્લિંગ’ જેવા શબ્દો સેલિબ્રિટીના મુખેથી સાંભળતા જ ઊતરી જાય તે સ્વાભાવિક છે. વાત છે જેકી શ્રોફ ઉર્ફે જેકી દાદાની. આજ સુધી જેકીદાદાને મળેલા તમામ લોકો તેના માટે બીડુ અને ડાર્લિંગ જ છે. બોલીવૂડના ઓનેસ્ટ મેન જેકી સાથે તેની આગામી ફિલ્મ ‘બ્રધર્સ’ સંદર્ભે તેની જ ભાષામાં વાતચીત

ઇન્ડસ્ટ્રીઝમાં આવતાં જ સૌ પોતાનો દેખાવ અને ભાષા સુધારે છે, ત્યારે તારી ‘બીડુ’વાળી ભાષા અંગે શું કહેવું છે?હું મુંબઈમાં રહીને ઘડાયો છું અને બોલી રહ્યો છું તે ‘બીડુ’ વાળી ભાષા પણ મુંબઈની જ છે. મુંબઈકર જાણે છે કે, અહીંની ભાષા શું છે? હું એક પાક્કો મુંબઈકર છું. ચાલીમાં રહીને મોટો થયો છું. એટલે હું જે સાંભળતો એ જ બોલું છું. દસ વર્ષનો હતો ત્યારે દુનિયા અને ભાષા અંગે સમજ પડી. પછી રેડિયો સાંભળીને ભાષા સુધારવાની કોશિશ કરતો. સ્કૂલમાં પણ હું યોગ્ય રીતે ભણતો ન હોવાથી શિક્ષક મને ખૂબ મારતા. સારી ભાષા બોલવા પ્રયાસ કરું છું, પરંતુ બીડુ વાળી જ ભાષા નીકળી જાય છે.

‘બ્રધર્સ’માં અક્ષય અને સિદ્ધાર્થના પિતા તરીકે રોલ નિભાવ્યો છે તે અંગે જણાવીશ?ફિલ્મમાં તો બંને મારા ‘બાપ’ છે. જોકે રિયલ લાઇફમાં અક્ષય શેતાન છે, જ્યારે સિદ્ધાર્થ સીધો છે. અક્ષય તો વાત કરતાં કરતાં શર્ટના બટન ખોલી નાંખે કે મારા મોબાઇલમાંથી કોઈને મેસેજ કરવા જેવી શેતાનીઓ કરતો રહે છે. ફિલ્મમાં કામ કરતી વખતે તે ક્યારેય ગંભીર હોતો નથી. હું પણ ફિલ્મમાં ગંભીર બનતો નથી. મૃત્યુના સીન વખતે પણ હું મરતો નથી. અક્ષયે મારા ફોનમાંથી બે-ત્રણ છોકરાઓને ‘આઈ લવ યુ’ના મેસેજ કરી દીધા હતા ત્યારે તે છોકરાઓ પણ હેરાન થઈ ગયા હતા કે, ‘બીડુ પાગલ તો નહીં હો ગયા.’ બાદમાં તેને આવા જ મેસેજ કેટલીક છોકરીઓને પણ મોકલી દીધા હતા, જેની સાથે મારે કોઈ નિસ્બત નહોતી. આ અંગે છોકરીઓએ ‘મેસેજ ભૂલથી મોકલ્યો છે કે અન્ય…’ જેવો રિપ્લાય પણ કરેલો ત્યારે મારે શું કહેવું? ટૂંકમાં અક્ષય સામે એક સેકન્ડ માટે પણ ફોન મૂકવો જોખમી છે. તે નટખટ છે. ‘બ્રધર્સ’માં બંને સાથે કામ કરવાની ખૂબ મજા આવી.

ઘણા સ્ટાર્સના પિતા તરીકેનો રોલ નિભાવ્યો છે ત્યારે ગમતું બાળક કોણ છે?ફિલ્મ ‘યાદેં’માં કરીનાના પિતાનો અને ‘સોદાગર’માં વિવેક મુસરાનના પિતાનો રોલ નિભાવ્યો હતો. ‘બ્રધર્સ’માં અક્ષય તોફાની અને સિદ્ધાર્થ સીધો છોકરો છે. ‘ધૂમ-૩’માં આમિર એક જાદુગર બાળક છે. બધા જ સારા અભિનેતા છે એટલે તેમના યોગ્ય પિતા બનવાની કોશિશ કરવી પડે છે. મારા પોતાના પુત્રની વાત કરું તો આ બધા સિનિયર્સની સરખામણીએ તે હજુ નાનો છે.

સિનિયર્સના પિતા તરીકેના અભિનયમાં તકલીફ અનુભવાય છે?એમાં તકલીફ શાની? ‘દેવદાસ’માં ચુન્ની બાબુની ભૂમિકા માટે કોઈ તૈયાર ન હતું, પરંતુ મેં તે બખૂબી નિભાવી. ‘૧૯૪ર એ લવ સ્ટોરી’માં પણ મારી ભૂમિકા ઈન્ટરવલ બાદની હતી. દિલને જે સારું લાગે તે કામ કરવાનું. પાયારૂપ કામ કરવું કે, જો ખસી જઈએ તો ટેબલ જ પડી જાય.

ટાઈગરને પણ આવી સલાહ આપે છે?પુત્ર સાથે દરેક પિતાનો વહાલનો સંબંધ હોય છે. હું ટાઈગરને વધુ પડતી સલાહ નથી આપતો. ‘બ્રધર્સ’માં હું બંને બાળકોને એક કરવાની કોશિશ કરું છુ, પરંતુ બંને એકબીજાના દુશ્મન બની બેઠા છે, એ સમસ્યા આધારિત જ આ ફિલ્મ છે. રિયલ લાઇફમાં મારા બંને બાળકો એકબીજાનો ખ્યાલ રાખે છે. પુત્રી કર્ષણા તો ટાઈગરની મા બનવાની કોશિશ કરતી હોય છે. કેમ કે મહિલાઓને ટેવ હોય છે કે ભાઈને મા જેવો પ્રેમ આપી શકે. મારી સ્ટાઇલ અલગ છે, હું ‘રંગીલા’ જેવું સેન્સ્યુઅલ ગાઈ શકું કે રોમાન્સ કરી શકું. જેથી ટાઈગર પણ મારી કોપી કરે છે, પરંતુ હું ટાઈગર જેવો ડાન્સ અને ફાઈટ ક્યારેય ન કરી શકું. મેં તેને આ બધું શીખવ્યું નથી, પરંતુ હું તેની પાસેથી શીખવા ઇચ્છું છું. મેં તેને કહ્યું છે કે, ‘કામથી કામ રાખવું અને જમીન સાથે જોડાયેલા રહેવાથી આકાશ પણ ચોક્કસ નમી પડશે.’ ‘બ્રધર્સ’માં બધા જ એક્શન હીરો છે?મેં ઘણા હાર્ડ સ્ટંટ કર્યા છે અને તે પણ કોઈ પણ સુરક્ષા વગર. ઘણી વાર જખમી થયા છીએ કે જાન પણ બચી છે. અક્ષયે પણ સ્ટંટ કર્યા છે. જોકે તેના સમયમાં સુરક્ષા વ્યવસ્થા હતી. ઇન્ડસ્ટ્રીઝમાં માર્શલ આર્ટ લાવનાર જ અક્ષય છે. સિદ્ધાર્થ બંનેની મજા લઈ રહ્યો છે. ફિલ્મમાં અક્ષય સાથે ફાઈટ કરવાની હોઈ તેણે ૧૦ કિલો વજન વધાર્યું છે.

કોઈ સ્ટંટ જોખમી બન્યો હોય તેવું યાદ છે?આજે સ્ટંટનો વીમો લેવાય છે. ‘પથ્થર કે ઇન્સાન’માં મારે વિનોદ ખન્નાના હાથે ગોળી ખાઈને મરવાનું હતું. સાંજ થતાં અંધારું વધી રહ્યું હતું ત્યારે શોટ લેવાની ઉતાવળમાં નકલીને બદલે અસલી બેટરીમાં વાયર નાંખી દેતાં એકને બદલે છ ગોળીઓ વાગી અને કરંટ લાગવાથી હું ત્યાં જ જખ્મી થઈને પડી ગયો હતો. પહેલાં સ્ટંટ કરવો ખૂબ જ જોખમી હતો. હવે સુરક્ષા વ્યવસ્થા પૂરતી હોય છે.

ઇન્ડસ્ટ્રીઝમાં બદલાવ થયો છે?સમય સાથે ઘણી ચીજો બદલાતી રહે છે. આજે સારા ગીતો સાથે ખરાબ ગીતો પણ આવે છે. જોકે લોકોને જે જોઈએ તે મળી રહ્યું છે. હું પાણીની જેમ દરેક રંગે રંગાઈ જાઉ અને બદલાતો રહું છું. જોકે હું ‘ગર્દન ઝૂકી હુઈ હૈ…’ જેવા જૂનાં ગીતોને મિસ કરી રહ્યો છું.

ટાઈગરના અફેર્સની ખબર અંગે શું કહીશ?ટાઈગર તો દરેક ખબરથી ખુશ રહે છે. તે ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો ત્યારે લોકો કહેતા કે તે ચીકનો છે, હોઠ પણ ગુલાબી છે. આ બધી ટિપ્પણીથી ખુશ થતાં તે કહે છે, ‘લોકો આપણા અંગે કંઈક તો બોલે છે. મારું કામ બોલશે એટલે મારે આ અંગે બોલવાની જરૂર નથી.’ હાલ તેના દિવસો છે એટલે આવી ખબરને ગંભીરતાથી ન લેવી જોઈએ. 

તારી કોઈ રિમેકમાં ટાઈગરને જોવા ઇચ્છે છે?હું ટાઈગરને ‘સ્પાઈડર મેન’ જેવી ફિલ્મમાં જોવા ઇચ્છુ છું. જો મારી કોઈ ફિલ્મની રિમેક બને તો તે ‘ગર્દિશ’ હશે.

ટાઈગરની જેમ તારી પાછળ પણ છોકરીઓ ઘેલી હતી. પરિસ્થિતિ કેવી રીતે સંભાળેલી?ઘણી ધીરજ રાખવી પડે છે. જાતને કાબૂમાં રાખી દરેકને માન આપવા કોશિશ કરી છે. પત્નીએ પણ ભરોસો રાખ્યો અને સાથ આપ્યો. જોકે હું તેના ભરોસાને લાયક હોઉ કે ન પણ હોઉ, આખરે હું માણસ છું. 

છેલ્લે ‘બ્રધર્સ’ અંગેની ખાસ વાત…મારો અભિનય હંમેશાં પાયારૂપ હોય છે કે જેને હટાવવાથી ઘણો ફરક પડી જાય. ‘બ્રધર્સ’માં પણ મારો રોલ મજબૂત છે. ફિલ્મ નિર્દેશક કરણ મલ્હોત્રાના વિચારો પણ સુભાષ ઘાઈ જેવા સ્ટ્રોંગ હોય છે.

 

You might also like