સોનું ત્રણ મહિનાની ઊંચાઈએ

અમદાવાદઃ ઘરઆંગણે બજારમાં સોના અને ચાંદીમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક બાજુ વૈશ્વિક બજારમાં મજબૂતાઇ તો બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં નરમાઇના પગલે ૧૦ ગ્રામ શુદ્ધ સોનું રૂ. ૨૭૦૦૦ની સપાટી ક્રોસ કરી રૂ. ૧૫૦ના સુધારે રૂ. ૨૭૩૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. તો બીજી બાજુ ચાંદીમાં પણ રૂ. ૨૦૦નો સુધારો નોંધાઇ રૂ. ૩૬,૭૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોનું ૦.૯૪ ટકાના સુધારે ૧૧૫૩ ડોલર, જ્યારે ચાંદી ૧.૦૩ ટકાના સુધારે ૧૫ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ટ્રેડિંગમાં છે. સ્થાનિક બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આજથી તહેવારો શરૂ થઇ રહ્યા છે ત્યારે પાછલાં વર્ષની સરખામણીએ નીચા ભાવે રોકાણરૂપી ખરીદીની સાથે ગ્રામીણ વિસ્તારોમાંથી પણ લગ્નસરાની ખરીદી જોવાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ સોના અને ચાંદીના ભાવમાં મજબૂતાઇ જોવા મળી છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આગામી ૨૭-૨૮ ઓક્ટોબરે તથા ડિસેમ્બરની યુએસ ફેડરલ બેઠકમાં વ્યાજદરમાં વધારો થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે તેથી વૈશ્વિક મોરચે પણ ભાવ સુધર્યાે છે.
You might also like