સોનિયા-રાહુલને ક્લિનચીટ મુદ્દે ઈડીના વડા કટોચની હકાલપટ્ટી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ઈડીના ડાયરેકટર રાજન એસ. કટોચના કાર્યકાળમાં કાપ મુકી તેમને ગઇકાલે રાત્રે પદ ઉપરથી હટાવી દીધા હતા. તેમને હટાવવાનું કોઈ સત્તાકારણ નથી અપાયું પણ એવું કહેવાય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ક્લિનચીટ અપાતા નારાજ સરકારે કટોચને હટાવ્યા છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોદીને ફરિયાદ કરી હતી કે ઈડીના અધિકારીઓએ આ કેસની તપાસ જાણીજોઈને આડા પાટે લીેધી હતી. તેમણે પત્રો પણ લખ્યા હતા. જેમાં તેમણે ઈડીના ચીફ રાજન અને કેટલાક અધિકારીઓ ઉપર સોનિયા અને રાહુલને બચાવવાનો આરોપ મુકયો હતો.

રાજન કટોચ મ. પ્રદેશના આઈએએસ ઓફિસર છે. તેમનો કાર્યકાળ ઓકટોબરમા પૂરો થતો હતો. બે સપ્તાહ પહેલા કેન્દ્રએ તેમનો કાર્યકાળ ત્રીજી વખત વધાર્યો હતો.સરકારે ગઈકાલેરાત્રે સ્પે. ડાયરેકટર કરનૈલસિંહને ઈડીની વધારાની જવાબદારી સોંપી હતી. તેમને રેગ્યુલર જગ્યા ન ભરાય ત્યાં સુધી આ પદ પર રહેવાનુ રહેશે. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ ટેકનિકલ આધારે આ કેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સોનિયા અને રાહુલ સામે આ કેસમાં ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ (ફેમા)ના ભંગનો કેસ બનતો નથી તેમ ઈડીએ કહ્યું છે. કોંગ્રેસ પક્ષ સામે પણ આ અંગે કેસ થયેલો છે. દરમિયાન ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈડીના અધિકારીઓની ફરિયાદ કરીને કહ્યું છે કે તેઓ તપાસને આડા પાટે ચઢાવી રહ્યાં છે અને જાણી જોઈને વિલંબ કરી રહ્યાં છે.

સ્વામીએ મોદીને ૧૧ ઓગસ્ટ અને ૧૨ ઓગસ્ટે બે પત્ર પણ લખ્યા છે, જેમાં તેમણે ઈડીના વડા રંજન કટોચ અને કેટલાક અધિકારીઓ સોનિયા-રાહુલને બચાવવા પ્રયાસ કરી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો છે. જુલાઈની શરૃઆતમાં સ્વામીએ ઈડીને આ કેસમાં તપાસ કરવા અપીલ કરી હતી. તેમણે દસ્તાવેજોની કૉપી પણ આપી હતી. સ્વામીનો આરોપ છે કે સોનિયા, રાહુલ, મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિઝે યંગ ઈન્ડિયન નામની કંપની બનાવીને બનાવટ કરીને નેશનલ હેરાલ્ડ અખબારની માલિકીની ધ એસોસિયેટ જર્નલ્સ લિમિટેડની સંપત્તિ પર કબજો કરી લીધો છે. કોંગ્રેસ પક્ષે પણ આ કંપની પરનો ૯૦ કરોડનો બોજ પોતાના માથે લઈ લીધો હતો.

 

મતલબ કે કંપનીને તેણે ૯૦ કરોડની લોન આપી દીધી હતી. ત્યારબાદ પાંચ લાખ રૃપિયાની મૂડી સાથે યંગ ઈન્ડિયન કંપની બનાવી, જેમાં રાહુલ અને સોનિયાની ૩૮-૩૮ ટકા ભાગીદારી છે. બાકીનો ૨૪ ટકા હિસ્સો કોંગ્રેસના નેતા મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિઝ પાસે છે. ધ એસોસિયેટ જર્નલ્સ લિમિટેડે ત્યારબાદ ૧૦-૧૦ રૃપિયાની ફેસ વેલ્યૂના નવ કરોડ શેર યંગ ઈન્ડિયનને આપી દીધા અને તેના બદલામાં આ અખબારે કોંગ્રેસને લોન ચૂકવવાની હતી. નવ કરોડ શેર સાથે યંગ ઈન્ડિયન પાસે ધ એસોસિયેટ જર્નલ્સના ૯૯ ટકા શેર આવી ગયા. ત્યારબાદ કોંગ્રેસે ૯૦ કરોડની લોન પણ માફ કરી દીધી. મતલબ કે યંગ ઈન્ડિયનને મફતમાં પેલી કંપનીની માલિકી મળી ગઈ. આ ૯૦ કરોડ રૃપિયાનો વહીવટ હવાલાથી થયો હોવાનો સ્વામીનો આક્ષેપ છે.

You might also like