સોનાના ભાવમાં આગેકૂચ જારી રહીઃ રૂ. ૨૦૦નો ઉછાળો

અમદાવાદઃ આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધુ રૂ. ૨૦૦નો ઉછાળો નોંધાઇ ૨૬,૨૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીમાં ૩૦૦નો સુધારો નોંધાઇ ૩૫,૭૦૦નો ભાવ જોવાયો હતો. ઉલ્લેખનીય છે કે ચીનની કરન્સીના અવમૂલ્યનના કારણે ભારતીય રૂપિયાનું ધોવાણ થયું છે એટલું જ નહીં વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં મજબૂત સુધારા તરફી ચાલ નોંધાઇ છે અને તેના કારણે સ્થાનિક બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સળંગ તેજી તરફી માહોલ જોવાયો છે.બુલિયન બજારના જાણકારોના કહેવા પ્રમાણે ચીન દ્વારા હજુ પણ સ્થાનિક કરન્સીનું વધુ અવમૂલ્યન જોવાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ વૈશ્વિક સોના-ચાંદીના ભાવમાં સકારાત્મક ચાલ નોંધાઇ છે. દરમિયાન દુનિયાના સૌથી મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટના હોલ્ડિંગમાં ૦.૬ ટકાનો વધારો નોંધાયો છે, કે જે સપ્ટેમ્બર ૨૦૦૮નું તળિયું બતાવ્યા પછી પ્રથમ વાર સોનાના હોલ્ડિંગમાં વધારો થયો છે. સ્થાનિક બજારમાં પણ ઘટાડે રોકાણરૂપી લેવાલી નીકળી છે અને તેના કારણે સોના અને ચાંદીમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. 

You might also like