સેન્સર બોર્ડના ચીફ નિહલાનીએ તૈયાર કરાવ્યું ‘મોદી ભજન’

નવી દિલ્હીઃ સેન્સર બોર્ડ ચીફ પહલાજ નિહલાનીઅે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે એક નવું ગીત તૈયાર કર્યું છે. અા ગીતને તેમની ટીમ સ્વાતંત્ર્ય દિવસના અવસરે રિલીઝ કરશે. છ મિનિટના અા ગીતના બોલ છે ‘મેરા દેશ હૈ મહાન, મેરા દેશ હૈ જવાન’ અા ગીત પહલાજ નિહલાનીના નિર્દેશનમાં બનેલી ટીમે તૈયાર કર્યું છે, જેમણે ચૂંટણીઅો દરમિયાન મોદીના પ્રચાર માટે હર હર મોદી, ઘર ઘર મોદી ગીત તૈયાર કર્યું હતું. 

અા ગીતમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનાં સ્વપ્નાંઅો ઉપર યુવાનો ખરા ઊતરે તેવી અપીલ કરાઈ છે. અા ગીતના બોલ હીના ખાને લખ્યા છે જ્યારે સંગીત ઇશ્વર કુમારે અાપ્યું છે. ગીતમાં યુવાનોને અપીલ કરતાં કહેવાયું છે કે જે સ્વપ્ન મોદીઅે જોયું છે તે અાપણે મળીને સાચું કરવાનું છે. અા ગીત અંગે જણાવતાં નિહલાની કહે છે કે અા અમારા પહેલા ગીતની સિક્વલની જેમ છે, જેમાં અમે પીએમ મોદીને એક નેતા તરીકે રજૂ કર્યા હતા. અા ગીત પીએમને સમર્પિત છે.

દેશના અા વડા પ્રધાને પોતાનાં કામોથી જનતાને સીધો ફાયદો પહોંચાડ્યો છે. અા ગીતમાં પીએમ મોદીની મેકીંગ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢાઅો, સ્વચ્છ ભારત જેવી મહત્વાકાંક્ષી યોજનાઅોના ગુણગાન પણ કરાવ્યા છે. નિહલાનીઅે યોજનાઅોના પ્રચારને લઈને કહ્યું કે ઘણું બધું કરાયું છે, પરંતુ હજુ સુધી લોકો સુધી પહોંચ્યું નથી. અમે લોકો સુધી પહોંચાડવાનું કામ કરીશું. 

કોંગ્રેસ નેતા મનીષ તિવારીઅે સેન્સર બોર્ડ ચીફના અા પગલાની ટીકા કરી છે, પરંતુ નિંદાને અવગણતાં નિહલાનીઅે કહ્યું કે અમે અા કોઈ રાજકીય પાર્ટી માટે કરતા નથી, પરંતુ પીએમ મોદી માટે કરીઅે છીઅે.

You might also like