'સેટ પર ભીડ જોઈ હું ડરી જાઉં છું'

‘ચીની કમ’ અને ‘પા’ જેવી ફિલ્મોમાં અનોખી ભૂમિકા કરી ચૂકેલ અમિતાભ બચ્ચન હવે આર. બાલ્કીની ફિલ્મ ‘શમિતાભ’માં વળી એક નવા પડકારનો સામનો કરવા જઈ રહ્યા છે. અમિતાભની સાથે આ ફિલ્મમાં અક્ષરા હસન અને ધનુષ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ વિષે અને તદ્દન નવા કલાકારો વિષે ‘અભિયાન’ સાથે વાત કરતાં અમિતાભે અનેક આઘાતજનક ખુલાસા કર્યા…

આ ફિલ્મ શા માટે સ્વીકારી?

હિન્દી ફિલ્મોમાં આ અગાઉ આવો પ્રયોગ કદી નથી થયો.

શું છે એ વાર્તા?

બે જુદી વ્યક્તિઓના એકીકરણની વાત છે. ધનુષમાં જુદી જ શક્તિઓ છે અને મારામાં તદ્દન જુદી શક્તિઓ છે. અક્ષરાને સમજાય છે કે જો અમે બંને મળીએ તો કમાલ થઈ શકે. એ કમાલ અને માનવીય લાગણીઓની વાત છે.

ફિલ્મમાં તમે ગીત ‘પિડલી…’ ગાયું છે?

હા, ફિલ્મ સર્જક કહે છે કે આ સિચ્યુએશનમાં તમારો જ અવાજ ફિટ બેસશે ત્યારે હું ગાવાની ના નથી પાડતો.

નવા કલાકારો તમારાથી અંજાતા હશે?

બિલકુલ નહીં. એમની ધગશ, મહેનત, પ્રામાણિકતા અને ગ્રહણશક્તિ જોઈને હું અંજાઈ ગયો. એમની પાસેથી કશુંક શીખ્યો.

ફિલ્મમાં તમારો લુક તદ્દન જુદો છે?

બાલ્કી સાથે મળીને અમે અનેક લૂક ચેક કર્યા હતા. ફિલ્મમાં મારું પાત્ર દારૃડિયા અને તરંગી માણસનું છે. ‘પા’નો મેકઅપ કરનાર ડોમિનિક અને મારો મેકઅપમેન દીપક સાવંતે મળીને મહેનત કરી છે.

બાલ્કી તમને સાવ જુદા જ રૃપમાં કલ્પે છે?

તેણે મને એવી ભૂમિકાઓ આપી છે જે અગાઉ મેં ક્યારેય નહોતી કરી. મારું કામ શાહીચૂસ(બ્લોટિંગ) પેપર જેવું છે. કહેવાય તેમાંથી વધુમાં વધુ ગ્રહણ કરું છું. હું માનું છું કે બધા જ કલાકાર એવા જ છીએ.

ભૂમિકા માટે લોકોને મળો છો?

સ્પેશિયલી તો નથી મળતો. જીવનમાં ક્યાંક ને ક્યાંક દરેક પ્રકારના લોકો મળ્યા જ હોય. એમણે ધ્યાન ખેંચ્યું હોય, એમની કોઈક સ્ટાઈલ યાદ રહી ગઈ હોય. એ બધું યાદ કરીને પાત્રમાં અપનાવું છું.

કમલ હસનની પુત્રી વિષે કશુંક કહેશો?

હજી તો આ એની પહેલી જ ફિલ્મ છે. હજી તેણે ખૂબ આગળ સુધી જવાનું છે. એની સ્ટાઈલ તદ્દન જુદી છે અને તેની આંખો કશું બોલ્યા વિના ઘણું કહી શકે છે.

નવા, યુવાન કલાકાર-દિગ્દર્શકો સાથે શૂટિંગમાં તમને શું નોખું લાગે છે?

હવેના સમયમાં પટકથા તૈયાર થાય ત્યારે જ શોટ કટિંગ, કેમેરા એન્ગલ વગેરે બધી તૈયારી થઈ ગઈ હોય છે. પટકથા વાંચન મુખ્ય કલાકારો અને દિગ્દર્શક સાથે મળીને કરે છે તેને વર્કશોપ કહે છે. એમાં દરેક વાત સ્પષ્ટ થઈ જાય છે. અમારા સમયમાં આવી સગવડ નહોતી.

સેન્સર બોર્ડે ધૂમ્રપાનનાં દ્રશ્યો પર પ્રતિબંધ મુક્યો એ વિષે શું માનો છો?

સ્પષ્ટ રીતે એ અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ છે. કોઈ બંધાણીનું પાત્ર ફિલ્મમાં હોય તો ધૂમ્રપાન કર્યા વિના શી રીતે ભજવી શકાય. ખરેખર તો સેન્સર બોર્ડે ફિલ્મ અગાઉ સ્પષ્ટતા મૂકવી ફરજિયાત કરવી જોઈએ કે આ ફિલ્મમાં હિંસા અથવા ધૂમ્રપાન અથવા સેક્સનાં દ્રશ્યોની ભરમાર છે. તેથી અમુક વર્ગના લોકોએ જોવા જેવું નથી. વિદેશની ફિલ્મોમાં આવું જ કરવામાં આવે છે.

બાલ્કી સાથે ઘનિષ્ઠતા કેવી છે?

બાલ્કી અને હું એડવર્ટાઈઝ ફિલ્મના શૂટિંગમાં મળતા હતા. ધીમે ધીમે એકબીજા સાથે અનુકૂળતા સધાઈ અને વિશ્વાસ કેળવાયો. એ મને બરાબર સમજી શકે છે. જેમ કે સેટ પર ઘણા લોકો હાજર હોય તો હું ડરી જાઉં છું, એટલે એ કાળજી રાખે છે કે શૂટિંગ વખતે ઓછામાં ઓછા માણસો સેટ પર હાજર રહે.

નવા દિગ્દર્શકોએ ફિલ્મોનો પ્રવાહ બદલી નાંખ્યો છે, એમ માનો છો?

ચોક્કસ, આ લોકોએ પ્રેક્ષકોની પસંદ બદલી છે. પ્રેક્ષકોને વધુ મેચ્યોર બનાવ્યા છે. વિવિધ વિષયના પ્રયોગ પણ મનોરંજક રીતે દર્શાવી શકાય અને ભરપૂર સફળતા મેળવી શકાય એ સાબિત કર્યું છે.

પોલિયો-નાબૂદીમાં તમારું યોગદાન ગજબનું રહ્યું એમ લાગે છે?

પોલિયો નાબૂદીમાં મેં આઠ વર્ષ આપ્યા છે. પોલિયો નાબૂદીનો મને આનંદ છે, પરંતુ એનો યશ એ કાર્યકર્તાઓને જાય છે જેમણે દુર્ગમ સ્થળોએ ટાઢ-તડકો-વરસાદ વેઠીને એક એક બાળકને શોધીને પોલિયોનાં ટીપાં પીવડાવ્યા. પોલિયો નાબૂદ તો થયો, પરંતુ હજી વિદેશથી તેનો વાયરસ પાછો આવવાનો ભય તો છે જ! હવે અમે ટીબી, ડાયાબિટીસ અને કમળાની નાબૂદીનું કામ ઉપાડી રહ્યા છીએ.

એનું કોઈ ખાસ કારણ છે?

આજે દેશમાં મોટા ભાગના લોકો એનાથી પીડાય છે અને તેનો ચેપ ગમે ત્યાંથી તમને ખબર પણ ન પડે એ રીતે લાગી શકે છે. બે વર્ષ અગાઉ મને ખબર પડી કે મને ટીબી થયો છે. આટલી સ્વચ્છતા અને દરકાર છતાં મને ટીબી થઈ શકે તો કોઈનેય થઈ શકે. મને ‘કુલી’ના દિવસોથી કમળો થઈ ગયો હતો. એ વખતનાં ઓપરેશનોમાં મને અનેક બોટલ લોહી ચઢાવાયું હતું. એમાં કોઈક લોહી સાથે કમળાના વાયરસ આવી ગયા. વાયરસ શરીરમાં છે તેની ખબરેય ન પડી અને ત્રીસ વર્ષે ૨૦૦૪માં ખબર પડી ત્યારે મારું ૭૫ ટકા લીવર ખલાસ થઈ ગયું હતું. ઈલાજ કરાવવાથી ૨૫ ટકા બચી ગયું છે અને એના સહારે સરસ રીતે જીવી રહ્યો છું.

આ બધું હું મારું મહત્ત્વ સાબિત કરવા નથી કહી રહ્યો, પણ એટલા માટે કહી રહ્યો છું કે બધાને ખ્યાલ આવે કે જો અમિતાભને થઈ શકે તો કોઈનેય પણ થઈ શકે. વેળાસર તપાસ કરાવી લેવી. જેથી જરૃરી તકેદારી રાખવાનું સમજાય. હું એમાંથી પસાર થયો છું અને બીજા કોઈને આવું ન થાય એવી મારી અંતઃકરણની ઈચ્છા  છે.

‘શમિતાભ’માં કેવો સંદેશો આપવામાં આવ્યો છે?

આ ફિલ્મ સમજાવે છે કે આપણી પાસે જે કંઈ છે તેની આપણે કદર કરતા નથી, પછી એ જતું રહે ત્યારે એની કદર સમજાય છે, પરંતુ ત્યારે એ સમજણથી કશો લાભ નથી થતો. એટલે આપણી પાસે સરસ સ્વસ્થ શરીર, શરીરનાં અંગ, પરિવાર જે કંઈ છે તેની કદર કરતાં શીખવું જોઈએ. થોડાં વર્ષ અગાઉ એક ફિલ્મના શૂટિંગમાં સેટ પર બોમ્બ ધડાકામાં મારો હાથ ખલાસ થઈ ગયો હતો. હાથના પંજાને બદલે માંસનો લોચો જ રહી ગયેલો. મારા આંગળીનાં હાડકાં છૂટા કરી હલનચલન કરતા બનાવવા માટે મારી આંગળીઓ વચ્ચેની ચામડી કાપવામાં આવી હતી. અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચેના સ્નાયુ જતા રહ્યા. હું કોઈની મદદ વિના મારું પેન્ટ પહેરી ન શકું, શર્ટનાં બટન બંધ ન કરી શકું, ટોઈલેટ ન જઈ શકું. એ સ્થિતિમાં મને મારા હાથની કિંમત સમજાઈ. તમારી પાસે જે કંઈ છે તેની કદર કરો.

હું મારા અંગત ઉદાહરણો એટલા માટે આપું છું કે તમે તમારા શરીર, આરોગ્ય, સંબંધો બધું બચાવી શકો. વિદેશમાં અનેક દેશમાં એવો કાયદો છે કે, તમે તમારી માંદગી જાહેર ન કરી શકો. મને પણ ઘણાબધા લોકોએ કહ્યું કે, આ ખુલાસા ન કરો. લોકો પોતાની નબળાઈઓ પોતાના સુધી જ રાખે છે, પરંતુ હું માનું છું કે, આ બધું કહેવાથી હજારો-લાખ્ખો લોકોને બચાવી શકાશે.

તમે દયા-મૃત્યુ વિષે શું માનો છો?

આ વિષય પર મેં કમલ હસન સાથે એક ફિલ્મ બનાવી હતી, પરંતુ એ કદી રિલીઝ ન થઈ શકી. હું માનું છું કે, આ બાબત ખૂબ જ વ્યક્તિગત છે. તેમાં દરેક દર્દી અને તેના પરિવારના વિચારો અને પરિસ્થિતિઓ સંકળાયેલી હોય છે. તે બધું દરેક દર્દીમાં જુદું હોઈ શકે. તેથી આ વિષે કોઈ સર્વવ્યાપી અભિપ્રાય ન આપી શકાય.

You might also like