સૂર્ય નમસ્કાર

સૂર્ય પ્રકાશ ચૈતન્યમય છે. એના કારણે જ આ સૃષ્ટિની કલ્પના શક્ય છે. દા.ત. જો વરસાદનું પાણી સંગ્રહિત થતું હોય અને ત્યાં બિલકુલ સૂર્યપ્રકાશ ન આવતો હોય તો એ પાણીમાં કોઇપણ પ્રકારનાં જીવજંતુઓ ઉત્પન્ન થતાં નથી. પણ જો સૂર્યપ્રકાશની હાજરી હોય તો જ જીવજંતુઓ ઉત્પન્ન થાય છે. સૂર્યપ્રકાશથી ધૃતિસંશ્લેષણ (Photo Synthesis) પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાથી વૃક્ષ, લતા વગેરે તથા આહારોત્પાદન થઇ શકે છે. વિજ્ઞાન પણ કહે છે કે કોઇ છોડ સૂર્યની દિશામાં જ પ્રગતિ કરે છે. સંપૂર્ણ પ્રાણીજીવનમાં ચયાપચય ક્રિયા બહુ અગત્યની ક્રિયા છે. જે સૂર્ય વિના શક્ય નથી. આહારવિદો કહે છે કે સૂર્યપ્રકાશમાં વિટામિન ‘એ’ પોષકાંશ ભરપૂર છે જે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.

રથસપ્તમીને સૂર્યોપાસના માટે અતિ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્ય પોતાના સાત અશ્વવાળા રથને (જે સાત વર્ણોનું સૂચન કરે છે.) ઉત્તરીય ગોળાર્ધ તરફ ઉત્તર-પૂર્વ દિશામાં વાળે છે. આ દિવસને સૂર્યના જન્મદિવસ તરીકે જ ઉજવવામાં આવે છે. રથસપ્તમી વસંત‌ઋતુના આગમન અને ખેડૂતો માટે લણણીના સમયનું પ્રતીક તથા નવ વર્ષ છે.

સૂર્યોપાસનાનું વર્ણન વેદોમાં તથા તેની પ્રાચીનતા ચીન, ઇજિપ્ત ને મેસોપોટેમિયા જેવા દેશોની પૌરાણિક કથાઓમાં પણ વર્ણવાઇ છે. સૂર્યની પૂજા એટલી જ જૂની છે જેટલો હિંદુધર્મ. આ બંનેનાં મૂળ વેદકાળમાં છે. ચારેય વેદોમાં વિવિધ સૂર્ય મંત્રોનો ઉલ્લેખ છે : જેમ કે, ઋગ્વેદમાં સૂર્યસૂક્ત, તૈતિરીય આરણ્યકમાં અરુણ પ્રશ્ન, અથર્વવેદમાં સૂર્ય નમસ્કાર મંત્રો અને સૂર્ય ઉપનિષદ વગેરે. આ મંત્રો શ‌િક્તના સ્ત્રોત અને પૃથ્વી પરના દરેક જીવના પાલક છે.

આ બધી બાબતોથી ખ્યાલ આવે છે કે ભગવાન સૂર્યનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે સૂર્ય નમસ્કાર ખૂબ જરૂરી છે. સૂર્ય નમસ્કાર કરતી વખતે ત્રણ બાબતોનું ધ્યફાન રાખવું જોઇએ : મંત્રોચ્ચારણ, શ્વાસોશ્વાસ ક્રિયા અને આસન/સ્થિતિ. જે આ ત્રણ બાબતોનું ધ્યાન રાખીને અભ્યાસ કરે છે. તો તેને પાંચ લાભ થાય છે (આદિત્યસ્ય નમસ્કારન્ યે કુર્વંતિ દિને દિને આયુ: પ્રજ્ઞા બલમ્ વીર્યમ્ તેજ : તેષામ્ ચ જાયતે ) પ્રજ્ઞા બળ વીર્ય અને તેજ.  સૂર્ય નમસ્કારમાં ૧૩ મંત્રો આપવામાં આવેલા છે. : સાત આસનો છે : ઉત્થિત હસ્તાસન, પાદહસ્તાસન, અશ્વ-સંચાલનાસન, સમદંડાસન, સાષ્ટાંગ નમસ્કારસન, ભુજંગાસન અને અધોમુખશ્વાસસન. સૂર્યનમસ્કારના એક હજારથી પણ વધુ વિન્યાસ છે પરંતુ આ સાત આસનોનો સમૂહ સુપ્રસિદ્ધ વિન્યાસ છે. સૂર્યનમસ્કાર હંમેશાં સૂર્ય પ્રતિ મુખ રાખીને કરવાના હોય છે.

દરરોજ બ્રાહ્મમુહૂ‌ર્તમાં અથવા વહેલી સવારે સૂર્યોદય સમયે માત્ર ર૦ મિનિટ પણ સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવામાં આવે તો હાડકાં, સ્નાયુંઓ અને ફેફસાંની શક્તિ વધારે છે. તથા અત્યંંત તીવ્ર રોગોને પણ નિયંત્રિત કરે છે. સૂર્ય નમસ્કાર દ્વારા શરીરનાં અંગોને વિપુલ પ્રમાણમાં ઓકિસજન પ્રાપ્ત થાય છે તથા આરામ આપે અને આ રીતે શરીરનાં બધાં જ અંગો શુદ્ધ બને છે. અમુક અવસ્થામાં વૈદ્યની અથવા યોગ્ય યોગેશિક્ષકની સલાહ વિના સૂર્ય નમસ્કારનો અભ્યાસ ન કરવો.

સૂર્ય નમસ્કારનો વિરોધ કરવો એ સૂર્યના અસ્તિત્વનો વિરોધ કરવા સમાન છે. જે બાલિશતાની નિશાની છે. સૂર્ય અસીમ શક્તિઓના પ્રદાતા છે અને એકમાત્ર નરી આંખે જોઇ શકાતા ભગવાન છે. તેથી જ તો ભૂલકાંઓ તેમને ‘દાદા’ કહીને બોલાવે છે.•

સદ્ગુરુ જગ્ગી વાસુદેવ

સાધનામાંથી સાભાર

You might also like