સૂકી ડુંગળી કરતાં લીલી ડુંગળી કિલોએ દશ રૂપિયા સસ્તી

અમદાવાદઃ સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવમાં રોકેટગતિએ ઉછાળો આવ્યો છે. મીડિયમ તથા સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ રૂ. ૬૦થી ૭૦ સુધી પહોંચી ગયા છે તો બીજી બાજુ નબળી ક્વોલિટીની ડુંગળીના ભાવ રૂ. ૫૦ના કિલોની સપાટીએ જોવા મળી રહ્યા છે, પરંતુ સ્થાનિક બજારમાં લીલી ડુંગળીનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે સૂકી ડુંગળી કરતાં લીલી ડુંગળી કિલોએ રૂ. ૧૦થી ૧૫ નીચા ભાવે વેચાઇ રહી છે.ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી મોટા ગણાતા મહારાષ્ટ્રના ડુંગળીના હોલસેલ બજારમાં આવેલા ઉછાળાના પગલે ગુજરાત સહિત દેશભરનાં બજારમાં ડુંગળીના ભાવ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને વેપારીઓના કહેવા પ્રમાણે એક બાજુ નવી ડુંગળીની આવક આવે તે પૂર્વે જૂની ડુંગળીનો સ્ટોક સતત ઘટી રહ્યો છે તથા તેની સામે માગ ઊંચી જોવાઇ છે તથા આ સિઝનમાં ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનાના સમયગાળામાં કમોસમી વરસાદના પગલે ડુંગળીના પાકને આંશિક નુકસાન થયાના સમાચારના પગલે ભાવમાં એકધારો સુધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓના જણાવ્યા પ્રમાણે હજુ નવી આવક આવવાને આઠથી દશ સપ્તાહની વાર છે ત્યારે આ સમયગાળામાં ડુંગળીના ભાવમાં હજુ પણ વધારો જોવાય તેવી મજબૂત શક્યતાઓ છે.
You might also like