સુરેશ રૈનાની ગર્જનાઃ ‘વન ડે અને ટી-૨૦ના દમ પર ટેસ્ટ ટીમમાં રમીશ’

ધર્મશાલાઃ ટીમ ઇન્ડિયાના ધમાકેદાર બેટ્સમેન સુરેશ રૈનાએ હજુ ટેસ્ટ ટીમમાંથી રમવાનું સપનું છોડ્યું નથી. તેનું કહેવું છે કે તે વન ડે અને ટી-૨૦માં પોતાના પ્રદર્શન દ્વારા ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાની કોશિશ કરશે.  રૈનાએ કહ્યું કે તે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રેણી દરમિયાન વધુ સારું પ્રદર્શન કરવાની કોશિશ કરશે. તે ભારત તરફથી ૨૧૮ વન ડે અને ૪૪ ટી-૨૦ મેચ રમી ચૂકયો છે અને આ ફોર્મેટમાં મિડલ ઓર્ડરની કરોડરજ્જુ છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં રૈના એટલો સફળ નથી રહ્યો અને ફક્ત ૧૮ ટેસ્ટ મેચમાં રમ્યો છે. જોકે તેણે પોતાની ટેસ્ટ કરિયરની જોરદાર શરૂઆત કરી હતી અને પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ૨૮ વર્ષીય રેનાએ કહ્યું કે, ”આગામી ટી-૨૦ અને વન ડે શ્રેણી મારી પાસેની શાનદાર તક હશે કે હું આ શ્રેણીમાં સારું પ્રદર્શન કરું અને ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શકું. આગામી શ્રેણીમાં કોઈ પણ બેટિંગ ક્રમમાં રમવા હું તૈયાર છું.”
 
You might also like