સુપ્રીમ કોર્ટને બોમ્બથી ફૂંકી મારવાની ઇ-મેઇલ દ્વારા ધમકી

નવી દિલ્હીઃ મુંબઇ બોમ્બ બ્લાસ્ટના અપરાધી યાકુબ મેમણને ફાંસી આપવાના વિરોધમાં બદલાની કાર્યવાહીરૂપે દિલ્હી પોલીસને ઇ મેઇલ મોકલીને સુપ્રીમ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.

દિલ્હી પોલીસને ઇ મેઇલ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં સુરક્ષા વધારી દેવાઇ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં શોધખોળ કરવામાં આવતાં કોઇ બોમ્બ મળ્યો નહોતો.

અત્રે ઉલ્લેખનીય છે કે યાકુબની ફાંસીની સજાને રોકવાનો ઇનકાર કરનાર સુપ્રીમ કોર્ટના જજ દીપક મિશ્રાને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. જેના પગલે આ કેસના ન્યાયમૂર્તિઓની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી પોલીસને એક ઇ મેઇલ મળ્યો હતો જેમાં જણાવાયું હતું કે સુપ્રીમ કોર્ટમાં બોમ્બ ગોઠવી દેવામાં આવ્યો છે અને આ બોમ્બ ગમે ત્યારે ફાટી શકે છે. ઇ મેઇલ કયાંથી મોકલવામાં આવ્યો છે તે અંગે દિલ્હી પોલીસના સાયબર સેલે તપાસ શરૂ કરી દીધી છે.

આ માહિતી મળતાં જ નવી દિલ્હી ડિસ્ટ્રીક્ટના તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરોને સુપ્રીમ કોર્ટ રવાના કરવામાં આવ્યા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સહિતની સુરક્ષા એજન્સીઓ તાબડતોબ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઇ હતી અને સુપ્રીમ કોર્ટના તમામ રૂમ ખાલી કરાવીને ખૂણે ખૂણે તલાશી લેવામાં આવી હતી, પરંતુ કોઇ બોમ્બ મળ્યો નહોતો.

 

You might also like