સુપ્રીમમાં સુનાવણી સુધી જાહેરમાં નહીં આવું: સોમનાથ

નવી દિલ્હી : ‘આપ’ના ધારાસભ્ય સોમનાથ ભારતીએ જણાવ્યું છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં તેમની અરજી પર સુનાવણી નહીં થઇ જાય ત્યાં સુધી તેઓ જાહેરમાં આવશે નહીં. તેમણે કહ્યું કે તેઓ પોલીસને અપીલ કરે છે કે તેમની ધરપકડ કર્યા વિના તેમની પૂછપરછ કરે. આ કેસમાં પોતાને પુરાવા આપવાની તક આપે. મને તક આપશે તો હું સાબિત કરી આપીશ કે મારા પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિનાના છે.

પોલીસ મારી સામે વેરભાવથી કાર્ય કરી રહી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.દરમ્યાન, તેમના પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા ઘરેલું હિંસા અને હત્યાના પ્રયાસના કેસમાં દિલ્હી હાઇકોર્ટે આજે તેમને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયમૂર્તિ સુરેશ કૈતે કહ્યું કે આ અરજી (આગોતરા જામીનની) નામંજૂર કરવામાં આવે છે.અદાલતના આદેશની જાહેરાત બાદ સોમનાથ ભારતીના વકીલ વિજય અગ્રવાલે પત્રકારોને કહ્યું કે, તેમની ધરપકડ થઇ શકે છે, પરંતુ અન્ય કેટલાંક કાનૂની વિકલ્પ છે અને ઘણાં દરવાજા હજુ ખુલ્લાં છે.

હાઇકોર્ટે ગઇ ૧૭મી સપ્ટેમ્બરે તેનો આદેશ સંભળાવવા સુધી ધરપકડથી ભારતીને રાહત આપતાં તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.હાઇકોર્ટે મોડી રાત્રે પોલીસ સ્ટેશન જવા બદલ સોમનાથ ભારતીની ઝાટકણી કાઢતાં કહ્યું કે, તેમને પોલીસ સ્ટેશન જવાનું સારું લાગતું હોય તો તેઓ અહીંથી જ સીધા તેમને મોકલી દેશે. એક વખત તમને (ભારતીને) રાહત મળી જાય, તો તમે સિંહની માફક ગમે ત્યાં જવા લાગો છો.

 

નીચલી અદાલતમાંથી આગોતરા જામીન ન મળતાં અને અન્ય એક અદાલત દ્વારા પોતાની સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવ્યા બાદ ભારતીએ હાઇકોર્ટમાં અરજી કરીને ધરપકડથી રાહત માગી હતી. નીચલી અદાલતે ભારતીની આગોતરા જામીન અરજી એમ કહીને ફગાવી દીધી હતી કે ધારાસભ્યની સામે તેમના પત્ની લિપિકા મિત્રાએ આ બીજી ફરિયાદ નોંધાવી છે અને તેનો આક્ષેપ છે કે પોલીસની મહિલા વિરોધી ગુના શાખા સમક્ષ ખાતરી આપવા છતાં તેમણે (ભારતીએ) તેમના વર્તનમાં સુધારો કર્યો નહોતો.

You might also like