સુપરસ્ટાર બનવું છે હર્ષાલીને

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં લીડ રોલમાં તો સલમાન ખાન અને કરીના કપૂર હતાં, પરંતુ સાત વર્ષની બાળ અભિનેત્રી હર્ષાલી મલ્હોત્રાએ પોતાના અભિનયથી દર્શકોને દીવાના બનાવી દીધા. હર્ષાલીનું લક્ષ્ય હવે સલમાન ખાન અને કરીના કપૂર જેવા સુપરસ્ટાર બનવાનું છે.

હર્ષાલીનો ચહેરો કેટલાકને કેટરીના કૈફને મળતો આવતાે લાગે છે. કેટલાક લોકો કહી ચૂક્યા છે કે હર્ષાલી કેટ જેવી દેખાય છે. કેટ આને પોતાના માટે કોમ્પ્લિમેન્ટ માને છે.

ફિલ્મમાં ‘મુન્ની’ નામની મૂક બાળકીની ભૂમિકા ભજવનાર હર્ષાલી કહે છે કે, ”મને અભિનય અને ગીત ગાવાનું ગમે છે. હું સલમાન અંકલ અને કરીના અાન્ટી જેવી સુપરસ્ટાર બનવા ઇચ્છું છું.”

તે કહે છે, ”હું સલમાન અંકલ સાથે ફોનમાં ગેમ રમતી હતી. કબીર અંકલ સાથે બેસીને હું બાર્બી ગેમ પણ રમી. કરીના આન્ટી શૂટિંગમાં બિઝી હતાં તેથી તેમની સાથે રમવાનો બહુ મોકો ન મળ્યો. સલમાન અંકલ મારી સાથે ટેબલ ટેનિસ પણ રમ્યા.” જોકે હર્ષાલીની માતા કાજલ કહે છે, ”અમે છ-સાત વર્ષ તેને એક્ટિંગ નહીં કરવા દઈએ. તે બારમું ધોરણ પાસ કરી લે પછી તે જે ઇચ્છે તે કરી શકે છે.” 

 

You might also like