સી વોટર સર્વેઃ લાલુ-નીતીશના મહાગઠબંધનને સંપૂર્ણ બહુમતી

નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને દિવાળી પહેલાં ચૂંટણીકાર્ય સંપન્ન થઇ જશે. જોકે બિહારથી મળી રહેલા સંકેતો એનડીએ માટે સારા નથી. સી વોટર ઇન્ડિયાના સર્વે અનુસાર લાલુ નીતીશના મહાગઠબંધનને સંપૂર્ણ બહુમતી મળવાની સંભાવના છે. રાજદ, જદયુ અને કોંગ્રેસનું મહાગઠબંધન બિહાર ચૂંટણીમાં ૧૧૬થી ૧૩ર બેઠક જીતી શકે છે. 

જ્યારે સર્વે અનુસાર એનડીએ, એલજેપીના ગઠબંધનને આ ચૂંટણીમાં ૯૪થી ૧૧૦ બેઠક મળવાની સંભાવના છે. આ સર્વે અનુસાર અન્યને પણ ૧૩થી ર૧ બેઠક મળવાની શકયતા છે. સર્વેના તારણો અનુસાર બિહારના મુખ્યપ્રધાન તરીકે નીતીશકુમાર સૌથી લોકપ્રિય છે. પ૩ ટકા લોકોએ નીતીશકુમારને પ્રથમ પસંદ હોવાનું જણાવ્યું હતું. જયારે ૧૮ ટકા લોકોએ ભાજપના નેતા સુશીલકુમાર મોદીનું નામ લીધું હતું.

એજ રીતે પાંચ ટકા લોકોએ લાલુપ્રસાદ યાદવ અને શત્રુઘ્ન સિંહાને મુખ્યપ્રધાન તરીકે પસંદ કર્યા છે. જો મતદાનની ટકાવારીની વાત કરીએ તો આ વખતે લાલુ નીતીશ અને કોંગ્રેસના મહાગઠબંધનને ૪૩ ટકા વોટ  મળવાની શકયતા છે. જયારે ભાજપના નેતૃતવવાળા ગઠબંધનને ૪૦ ટકા વોટ જ મળવાનું અનુમાન છે. અન્ય પક્ષોને ૧૭ ટકા વોટ મળે તેવી શકયતા છે.

You might also like