સીએનો અભ્યાસક્રમ આગામી વર્ષે બદલાશે

અમદાવાદ: વર્તમાન સમયની માગને અનુરૂપ સીએનો અભ્યાસક્રમ બદલવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્રણ સભ્યની સ્પેશિયલ અભ્યાસક્રમ માટે બનાવવામાં આવેલી કમિટીએ આ અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરીને કેન્દ્રીય પ્રધાન સમક્ષ રજૂ કર્યો હોવાનું અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. આ ડ્રાફ્ટને સંસદમાં માન્યતા મળેથી આવતા વર્ષે અભ્યાસક્રમમાં જરૂરી ફેરફાર કરી તેને અમલી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને વર્તમાન સમયની માગને અનુરૂપ અભ્યાસ ભણાવવો જરૂરી હોવાના મુદ્દે હાલમાં અભ્યાસક્રમ બદલવાની માગ ઊભી થતાં એક વિશેષ સમિતિની રચના કેન્દ્રીય કક્ષાએ કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્ટોક હોલ્ડર્સ, ફિલ્ડ એક્સ્પર્ટ વગેરેનાં મંતવ્યો લેવામાં આવ્યાં. ડ્રાફ્ટ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયેલને કમિટી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ સંસદમાં રજૂ કરવામાં આવશે, જેની મંજૂરી મળતાં જ નવો અભ્યાસક્રમ અમલી બનશે.

સીએના સંભવિત નવા અભ્યાસક્રમમાં ઇન્ટરનેશનલ ટેક્સેશન વિષયને બે ભાગમાં વહેંચવામાં આવશે, જેમાં  એક ડોમેસ્ટિક અને બીજો ભાગ ઇન્ટરનેશન ટેક્સેશન હશે. આ ઉપરાંત ફોરેન્સિક એસેસમેન્ટ, ઇક્વિટી માર્કેટ સપ્લાય ચેન્જ વગેરે વિષયોને નવા અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવશે. જનરલ કોમ્યુનિકેશન સ્કિલના બે વિષયને મર્જ કરીને હવે એક વિષય કરી દેવામાં આવશે. આ ઉપરાંત અન્ય નાના-મોટા ફેરફાર નવા અભ્યાસક્રમમાં વર્તમાન સમયને અનુરૂપ કરાશે.

 

You might also like