સારા નરસાં કર્મથી જ સુખ, દુઃખ આવે છે

સુખ, દુઃખ, ભય, શોક, હર્ષ, મંગળ, અમંગળ, સંપત્તિ અને વિપત્તિ તે બધું જ કર્મના પરિપાકરૂપે જે તે જીવને પ્રાપ્ત થાય છે. ઉત્તમ કર્મથી ઘણા પુત્ર ઉત્પન્ન થાય છે. ઉત્તમ કર્મથી જે તે મનુષ્ય નીરોગી લાંબું આયુષ્ય ભોગવે છે. સારાં કર્મોથી તે ગુણવાન થાય છે. કર્મોથી જ તે ખોડખાંપણવાળો કે રોગી થયા છે. જો તેનાં કર્મ સારાં હશે તો તેને અનેક સુંદર સ્ત્રીનો સહવાસ થશે. પુત્ર રત્ન પણ પામશે. જો તેનાં કર્મો ખરાબ હશે તો એક સ્ત્રીનું સૌભાગ્ય પણ તેનું છીનવાઇ જશે. સુંદર પત્ની હશે તો પણ તેને તે ભોગવી નહીં શકે. તેની સાથે સંસાર માણી નહીં શકે. સારાં કર્મોથી મનુષ્ય રૂપવાન થાય છે. જગતમાં જે રૂપાળાં સ્ત્રી પુરુષ હોય છે તેમને જોઇ તેમને મનોમન વંદન કરજો. આવાં રૂપાળાં સ્ત્રી પુરુષો અનેક જન્મોનાં પુણ્યાત્મા હોય છે. તેમનાં ભેગાં થયેલાં પુણ્યથી તેમને સુંદર રૂપ મળ્યું હોય છે. તે વાત ભૂલતાં નહીં. સારાં કર્મોથી મનુષ્ય ધર્માત્મા થાય છે. ખરાબ કર્મોથી મનુષ્ય રોગી થાય છે. કર્મથી પીડિત થાય છે.

જે કોઇ મનુષ્ય ઉત્તમ પ્રકારનાં કર્મો કરે છે તેને બીજા કે આવતાં જન્મોમાં અપાર સુખ પ્રાપ્ત થાય છે. તેનો જન્મ ધનવાન તથા સંસ્કારી કુટુંબમાં થાય છે. તે ગયા જન્મમાં ધર્મ પાળતો હોવાથી તેનો બીજો જન્મ વ્યર્થ ન થાય તે માટે તેનું ઉત્તમ પ્રારબ્ધ બંધાય છે. તે ધર્માત્મા માતા પિતાને ત્યાં જન્મ લઇ સારા સંસ્કાર પામી, પૂર્વ જન્મનાં પુણ્યને કારણે તે પણ ધાર્મિક થાય છે.

તમારા જીવનમાં અચાનક દુઃખ આવી પડે, આર્થિક ફટકા પડે, પત્નીનું મૃત્યુ થાય, પુત્ર થતો ન હોય, સંતાનમાં ફક્ત અને ફક્ત પુત્રી થતી હોય અથવા સંતાન જ ન થતાં હોય, નોકરી વારંવાર છૂટી જતી હોય, પુષ્કળ મજૂરી કરવા છતાં યોગ્ય મહેનતાણું મળતું ન હોય, રાત દિવસ તમારા ભાગ્યમાં વૈતરાં હોય, ઘરમાં સુખ હોવા છતાં ધન લોભને કારણે તમે રાત દિવસ ગદ્ધામજૂરી કરતા હો, તમારાં પુત્ર કે પુત્રી આડા રસ્તે ચડી ગયા હોય, તમે નિર્દોષ હોય છતાં તમને બંધનયોગ (જેલ) થતો હોય, સુંદર શરીર હોવા છતાં પાછળથી તમને કોઇ ખોડ ઉત્પન્ન થાય ત્યારે વગર કહ્યે સમજી જજો કે આ તમારાં પાપનો, પૂર્વજન્મનાં પાપનો ઉદ્ભવ થયો છે. આવા સમયે દુઃખી થવાને બદલે ધૈર્યપૂર્વક તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરજો.

ભગવાન વિષ્ણુને આ જગતનાં સ્ત્રી પુરુષોને સુખ આપનારા અધિષ્ઠાતા દેવ શાસ્ત્રોમાં વર્ણવાયા છે. તેમની કૃપાથી મનુષ્ય સુખ પામે છે. તેમની કૃપા મેળવવા દરેકે તેમનાં શરણમાં જવું જોઇએ.

જે કોઇ મનુષ્યને અપાર સુખની ઇચ્છા હોય, સુંદર પત્ની કે પતિ મેળવવો હોય તેણે તથા નોકરી ધંધા, પરીક્ષા વગેરેમાં સફળ થવું હોય તો તેણે ભગવાન વિષ્ણુની શરણમાં જઇ ઉપરના મંત્રનો સવા લાખ જપ કરવો. જુઓ પછી તેનો અદ્ભુત ચમત્કાર.

You might also like