સાનિયા US ઓપનની મધ્યમાં ખેલરત્ન લેવા આવશે

નવી દિલ્હીઃ સાનિયા મિર્ઝાએ નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારો રાષ્ટ્રીય રમત પુરસ્કાર વિતરણ સમારોહ ફિક્કો પડતો બચાવી લીધો છે. વર્ષના અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનમાં વ્યસ્ત હોવા છતાં સાનિયાએ રાષ્ટ્રપતિના હસ્તે દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર ખેલરત્ન લેવા સ્વીકારવા માટે હા પાડી દીધી છે. સાનિયાની મંજૂરી બાદ રમત મંત્રાલયની દ્વિધા દૂર થઈ ગઈ છે. સાનિયા ૨૯ ઓગસ્ટે સીધી યુએસ ઓપનમાંથી નવી દિલ્હી આવશે અને એવોર્ડ લઈને એ જ રાતે ફરીથી ન્યૂયોર્ક જવા રવાના થઈ જશે. સાનિયાની આ વિશેષ યાત્રાનો ખર્ચ રમત મંત્રાલય ઉઠાવશે.સૂત્રો જણાવે છે કે અગાઉ સાનિયાના પરિવાર તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ૩૧ ઓગસ્ટથી યુએસ ઓપન ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે, જ્યાં સાનિયા મિક્સ અને મહિલા ડબલ્સમાં પોતાનું નસીબ અજમાવવાની છે. ૨૯ ઓગસ્ટના સમારોહમાં સામેલ થઈને ૩૧મીએ યુએસ ઓપનમાં તેના માટે રમવું સંભવ નહીં હોય. જોકે મંત્રાલયને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે સાનિયા આ એવોર્ડને રાષ્ટ્રપતિના હસ્તે સ્વીકારવાનો મોકો ગુમાવવા ઇચ્છતી નથી. આ સાથે જ મંત્રાલયે ફરીથી વાતચીત શરૂ કરી. સાનિયાને એવું કહેવામાં આવ્યું કે તે ૨૯મીએ સીધી ન્યૂયોર્કથી દિલ્હી આવે અને એવોર્ડ લઈને પાછી યુએસ રવાના થઈ જાય.
You might also like