સાઇના-સિંધુ વર્લ્ડ ચેમ્પિ.માં ચંદ્રકની નજીક પહોંચ્યા

જાકાર્તા : ભારતની બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ અને પી વી સિંધુએ શાનદાર પ્રદર્શન કરતાં ગુરુવારે અહીંયા રમાઇ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે વખત કાંસ્ય ચંદ્રક જીતી ચૂકેલી સિંધુએ ઇજા બાદ પરત ફરતા વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન ચીનની લી જુઇરેઇને હરાવી છે.

હૈદરાબાદમાં રહેતી ૨૦ વર્ષીય સિંધુએ ટૂર્નામેન્ટની ત્રીજા ક્રમની જુઇરેઇને ૫૦ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ૨૧-૧૭, ૧૪-૨૧, ૨૧-૧૭થી હરાવી હતી. સિંધુએ અને જુઇરેઇ વચ્ચે આ ચોથી ટક્કર હતી. અને સિંધુ બીજી વખત હરાવવામાં સફળ રહી છે. સિંધુનો હવે પછીનો મુકાબલો દક્ષિણ કોરિયાની સુંગ જી હયુન સામે થશે. આ બંને વચ્ચે કુલ ચાર મુકાબલા થયા છે જેમાંથી ત્રણમાં સિંધુ વિજયી બની છે.

સિંધુની જીત પછી વિશ્વની બીજા ક્રમની ખેલાડી સાઇના નેહવાલે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં જાપાનની સાયાકા તાકાહુસીને ૪૭ મિનિટમાં ૨૧-૧૮, ૨૧-૧૪થી હરાવી હતી. બંને વચ્ચે ચાર વખત થયેલી ટક્કરમાં દરેક સમયે સાઇના વિજયી બની છે. સાઇના સતત છઠ્ઠી વખત વિશ્વ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. આ અગાઉ ચારે વખત તે આ રાઉન્ડમાંથી બહાર રહી છે.

હવે પછી તેનો સામનો ચીનની યિહાન વાંગ અને કોરિયાની યેયોન જે બેઇ વચ્ચેના મુકાબલામાં વિજેતા બનશે તેની સામે થશે. આગામી મેચોમાં જીત સાથે સેમિફાઇનલમાં પહોંચવાની સાથે આ બંને ભારતીય ખેલાડી ઓછામાં ઓછા કાંસ્ય ચંદ્રક તો પાક્કા કરશે.

જ્વાલા ગટ્ટા અને પોનપ્પા પણ ક્વાર્ટર ફાઇનલમાંવર્લ્ડ ચેમ્પિયનશિપની ડબલ્સમાં ભારતની જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાએ શાનદાર પ્રદર્શન કરતાં મહિલા સિંગલની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મહિલા જોડીમાં ગટ્ટા અને પોનપ્પાએ જાપાનની આઠમા ક્રમની રેકા કાકિવા અને મિયુકી માએદાને ત્રણ ગેમ ચાલેલા મુકાબલામાં હરાવ્યા છે. ૧૩મા ક્રમની આ ભારતીય જોડીએ આ મેચ એક કલાકમાં ૨૧-૧૫, ૧૮-૨૧, ૨૧-૧૯થી જીતી અંતિમ- આઠમા જગ્યા બનાવી છે. જો આ જોડી જીતે તો ભારત ૨૮ વર્ષ પછી વિશ્વ ચેમ્પિયનશિપમાં ચંદ્રક જીતશે.

You might also like