સાંબામાં ગાયનું શબ મળતાં તોફાનો ફાટી નીકળ્યાંઃ લશ્કરને બોલાવાયું

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં નહેરના કિનારે ગાયનું માથું કપાયેલું શબ મળતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી ભડકી ઊઠી હતી. આ ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ વિરોધ દખાવો, પથ્થરમારો અને આગચંપી પર ઉતરી આવ્યા હતા. તોફાની અને હિંસક ટોળાંને કાબૂમાં લેવા પોલીસને લાઠીચાર્જ, અશ્રુવાયુ અને હવામાં ગોળીબાર કરવા પડયા હતા.

જોકે આ ઘટનાના પગલે જાનમાલને નુકસાન થયાના કોઇ અહેવાલ નથી. સમગ્ર વિસ્તારમાં કફર્યુ લાદી દેવામાં આવ્યો છે. ‌સ્થિતિ પર કાબૂ મેળવવા લશ્કરને બોલાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંબાથી જમ્મુ અને જમ્મુથી સાંબા બંને રૂટ પર વાહન વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો હતો.

લોકોના જણાવ્યા પ્રમાણે રાયા વિસ્તારમાં રસ્તાના કિનારે માથું કપાયેલી હાલતમાં ગાયનું એક શબ મળ્યું હતું. સ્થાનિક લોકોએ દેખાવો અને નારાબાજી કરતાં કરતાં જમ્મુ-કઠુઆ ‌નેશનલ હાઇ વે બંધ કરાવી દીધો હતો. ઉશ્કેરાયેલા દેખાવકારોએ સ્થિતિને કાબૂમાં લેવા પહોંચેલી પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. રસ્તા અને હાઇવે પર ઊભેલી ટ્રકો અને અન્ય વાહનોમાં તોડફોડ કરીને આગને હવાલે કરી હતી. સાંબાના જિલ્લા મેજિસ્ટ્રેટ શીતલ નંદાની ગાડીને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

 

You might also like