સલમાનને સુપ્રીમની રાહત

નવી દિલ્હી : વર્ષ ૨૦૦૨ના હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને મુંબઈ હાઈકોર્ટ દ્વારા અપાયેલા જામીન રદ કરવાની માંગણી કરતી એક અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે આજે ઈનકાર કરી દીધો હતો.  મુખ્ય ન્યાયમુર્તિ એચ એલ દત્તુ અને ન્યાયમુર્તિ અમિતાભ રાયની બેંચે કહ્યું કે અરજદારને તેની અરજી પાછી ખેચવાની પરવાનગી આપવામાં આવે છે. વકીલ મનોહરલાલ શર્મા મારફતે સુશીલા બાઈ હિમ્મતરાવ પાટિલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી.

આ અરજીમાં સલમાન ખાનને અપાયેલા જામીન રદ કરવાની અને નીચલી અદાલત દ્વારા સલમાનને ફરમાવવામાં આવેલી પાંચ વર્ષની સજાની મુદત વધારવાની માંગણી કરવામાં આવી હતી. આ અગાઉ  સલમાનખાનને સંભળાવવામાં આવેલી સજા સામેની તેની અપીલ પરની સુનાવણી મુંબઈ હાઈકોર્ટથી અન્યત્ર બીજી કોર્ટમાં ખસેડવાની માગણી સાથેની અપીલ પાટિલે કરી હતી. સુપ્રીમ કોર્ટે ે પાટિલની તે અપીલ પણ ગઈ ૨૭મી જુલાઈએ ફગાવી દીધી હતી. 

 

આ કેસમાં સલમાનખાનને ગઈ ૬ મેએ  ઈરાદા વિના હત્યા કરવા બદલ ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો અને તેને પાંચ વર્ષની સજા ફરમાવવામાં આવી હતી.મુંબઈ હાઈકોર્ટે તેને ૮મી મે સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. તેને લીધે સલમાન જેલ જતાં બચી ગયો હતો. હાઈકોર્ટે ૮મી મેએ તેની પાંચ વર્ષની સજા મુલતવી  રાખીને તેના જામીન મંજૂર કરી દીધા હતા.

You might also like