સરદાર પટેલની વિરાટ પ્રતિમાનું નિર્માણ ચીનમાં?

નવી દિલ્હીઃ દેશની એકતાની અવિસ્મરણીય મિસાલ સમાન સરદાર વલ્લભભાઇ પટેલની ગુજરાતમાં સ્થાપિત થનારી વિશ્વની સૌથી ઊંચી અને વિરાટ પ્રતિમા ચીનમાં બની રહી છે. એવું જાણવા મળે છે કે દેશના સુપ્રસિદ્ધ મૂર્તિકાર રામ સુથાર અને અનિલ સુથાર બે દિવસ અગાઉ જ ચીનમાં બની રહેલી સરદાર પટેલની મૂર્તિના નિર્માણકાર્યનું નિરીક્ષણ કરીને ભારત પરત આવ્યા છે.

એક અખબારના અહેવાલ અનુસાર સરદાર પટેલની પ્રતિમાના નિર્માણકાર્યના સંદર્ભમાં આ બંને મૂર્તિકારો હજુ ફરી વાર ચીનની મુલાકાત લેશે એવા નિર્દેશો મળી રહ્યા છે, જોકે મૂર્તિકાર સુથારે જણાવ્યું હતું કે તેમને આ ઘટનાની જાણકારી નથી અને તેઓ પોતાના અંગત કામસર ચીન ગયા હતા.

મૂર્તિના નિર્માણકાર્યનો કોન્ટ્રાકટ જેને સોંપવામાં આવ્યો છે તે લાર્સન એન્ડ ટુબ્રોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કંપનીએ અઢી મહિના પહેલાં જ પ્રતિમા બનાવવાની જવાબદારી ચીનને સોંપી દીધી છે. આ મામલામાં અત્યંત ગુપ્તતા સેવવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર સરદાર પટેલની પ્રતિમાના નિર્માણ માટે ચીનની કંપનીને એડ્વાન્સ રકમ પણ ચૂકવી દેવામાં આવી છે અને ચીનમાં મૂર્તિ નિર્માણકાર્ય શરૂ થઇ ગયું છે.

પ્રતિકાત્મક રીતે થર્મોકોલથી બનેલી મૂર્તિનો લગભગ પ૦ ટકા ભાગ તૈયાર  થઇ ચૂકયો છે. આટલી મોટી પ્રતિમાને ચીનથી લાવવામાં ઘણી મુશ્કેલી પડશે એટલા માટે ત્રણ-ત્રણ ફૂટના પીસમાં કાંસામાંથી બનનારી પ્રતિમાના અંગોને ઢાળવામાં આવી રહ્યા છે અને અહીં લાવ્યા બાદ તમામ ભાગને જોડીને પ્રતિમાને પૂર્ણ સ્વરૂપ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રતિમા નિર્માણનો ખર્ચ ઘટાડવા માટે ભારતીય રાષ્ટ્રવાદના આ પ્રતીક સમા સરદાર પટેલની પ્રતિમાનું સ્ટ્રકચર ચીનમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. લાર્સન એન્ડ ટુબ્રોના અધિકારીઓની ચીનના પ્રતિનિધિઓ સાથે અઢી મહિના પૂર્વે ચેન્નઇમાં મહત્ત્વની બેઠક થઇ હતી અને ચીનની કંપનીને સરદાર પટેલની કાંસ્ય પ્રતિમા બનાવવાની દરખાસ્ત તબદીલ કરવામાં આવી છે. સરદાર પટેલ ટ્રસ્ટે ગત ઓકટોબરમાં આ પ્રતિમાના નિર્માણનો કોન્ટ્રાકટ લાર્સન એન્ડ ટુબ્રોને રૂ.ર૯૮૯ કરોડમાં આપ્યો હતો.

You might also like