સરકાર ૬૯ નાના ઓઈલ,ગેસ ક્ષેત્રો ખાનગી કંપનીઓને વેચશે

728_90

નવી દિલ્હીઃ કેબિનેટે ૬૯ નાના તેલ અને ગેસ ક્ષેત્રોની ખાનગી અને વિદેશી કંપનીઓને લિલામી માટે એક નવી નીતિને તેની મંજૂરી આપી હતી. કેબિનેટના આ નિર્ણયની જાહેરાત કરતાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે સરકારી તેલ સંશોધન એકમો દ્વારા પડતા મૂકવામાં આવેલા ૬૯ નાના તેલ અને ગેસ ક્ષેત્રોની લિલામી કરવામાં આવશે.તેમણે કહ્યું હતું કે આ લિલામીમાં સફળ થનારા બિડરો સરકારની કોઈ પણ જાતની દખલગીરી વિના બજારમાં નક્કી કરાયેલા ભાવે ક્રૂડ ઓઈલ અથવા કુદરતી ગેસ વેચવા માટે મુક્ત રહેશે.  

તેમણે કહ્યું હતું કે અગાઉની સિસ્ટમમાં ફેરફાર કરીને નફાની વહેંચણીને બદલે આવકની વહેંચણીના અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેવી જ રીતે સંગઠિત લાયસન્સિંગની પ્રથા અમલી બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ક્ષેત્રમાં અલગ અલગ હાઈડ્રોકાર્બન માટે અલગ લાઈસન્સને બદલે તમામ હાઈડ્રોકાર્બન માટે સંકલિત લાઈસન્સની પ્રથા વિશે વિચારવામાં આવશે. ખાનગી કંપનીઓ આ ક્ષેત્રોમાં રહેલા ૧૦ અબજ ડોલરથી વધુ કિંમતના તેલ અને ગેસ ભંડારમાંથી ઉત્પાદન વધારશે તેવી આશા છે.   

ક્રૂડ ઓઈલના વપરાશકાર તરીકે ભારત દુનિયામાં ચોથા ક્રમે છે. સ્થાનિક સંસાધનો દ્વારા તેની ખૂબ નજીવી જરૃરિયાત જ પૂરી થાય છે. આ ક્ષેત્ર પર ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયાનું વર્ચસ્વ છે, જ્યારે ખાનગી ક્ષેત્રમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની મહત્વની ભૂમિકા છે. 

પ્રધાને આશા વ્યક્ત કરી હતી કે વિસ્તાર, ભૌગોલિક પરિસ્થિતિ અને વેચાણ ભાવ ઓછા રખાયેલા હોવાથી આર્થિક રીતે ફાયદાકારક ન હોવાથી  ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયાએ છોડી દીધેલા તેલ અને ગેસ ક્ષેત્રો માટે ત્રણ મહિનામાં બિડીંગની પ્રક્રિયા શરૃ થશે. આ તેલ અને ગેસ ક્ષેત્રોમાં રૃ.૭૦૦ અબજની કિંમતનો ૮૯ મિલિયન ટન જથ્થો રહેલો છે.  

You might also like
728_90