સરકાર ઝુકી: જીએમડીસી અને રિવરફ્રન્ટ બંને સ્થળે પટેલોને રેલી માટે મંજૂરી    

અમદાવાદઃ આગામી તા. ૨૫ ઓગસ્ટના રોજ રિવરફ્રન્ટ ખાતે યોજાનારી મહારેલી માટે પાટીદારો મક્કમ બનતાં આખરે ગુજરાત સરકારે ઘુંટણ ટેકવી દીધા છે. આનંદીબહેન પટેલની સરકારે રિવરફ્રન્ટ અને જીએમડીસી બંને જગ્યાએ રેલીને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે, આજે સવાર સુધીમાં પાટીદારોની મહારેલી રિવરફ્રન્ટ કે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે તે અંગે ભારે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી. ત્યાર બાદ જીએમડીસી ગ્રાઉન્ડ અંગેની સત્તાવાર મંજૂરી તંત્ર તરફથી આપી દેવાઇ છે. 

આ અંગે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું કે, પોલીસે અમને રિવરફ્રન્ટ અને જીએમડીસી બંનેની મંજૂરી આપી છે. આવતી કાલ સુધીમાં મીટિંગ કરીને નક્કી કરીશું કે, રેલી કઈ જગ્યાએ યોજવી છે?

પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટીના સભ્ય કેતન પટેલ ‘સમભાવ મેટ્રો’ને જણાવ્યું હતું કે, ગઈ કાલે મોડી રાત્રે તંત્ર સમક્ષ મહારેલી માટે  રિવરફ્રન્ટ અને જીએમડીસી ગ્રાઉન્ડ માટેની પરવાનગી માગતી અરજી કરાઈ હતી. જોકે તેમાં રિવરફ્રન્ટને પાર્કિંગની જગ્યા કે જીએમડીસી ગ્રાઉન્ડને મહારેલીની જગ્યા તરીકેનો ઉલ્લેખ કરાયો નહોતો. 

25મીની રેલી માટે કાઉન્ટડાઉન આજથી જ શરૂ થઈ ગયુ છે. આજે બપોરે પોલીસના ધાડેધાડા રિવરફ્રન્ટ પર ઉતરી આવ્યા હતા.  સુભાષબ્રિજથી જમાલપુર સુધી રિવરફ્રન્ટ તરફ જવાના તમામ રસ્તાઓને પોલીસે સામાન્ય લોકો માટે બંધ કરી દીધા હતા અને આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવા ધમધમાટ શરૂ કર્યો છે. 

25મીએ અમદાવાદની રેલીમાં લાખો પટેલો ઉમટી પડવાની શક્યતાના કારણે પોલીસ અને કોર્પોરેશન તંત્ર દોડતુ થઈ ગયું છે. રેલીમાં કોઈ અણછાજતી ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે પોલીસતંત્ર દ્વારા રેલીના ચાર દિવસ પહેલા જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

You might also like