સરકારી અેડ્ કેટલી પાવરફૂલ? પબ્લિક રિવ્યૂ કરવામાં અાવશે

નવી દિલ્હીઃ મોદી સરકારે દોઢ વર્ષમાં અાપેલ સરકારી જાહેરાતો કેટલી પાવરફૂલ રહી અને તેણે લોકોને કેટલા પ્રભાવિત કર્યા, સરકાર હવે તેને પરખવાની છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય અા અંગે એડ્ ગુરુઅોની સલાહ તો લેશે જ. સાથેસાથે દેશભરના લોકોને પૂછવામાં અાવશે કે જાહેરાતને વધુ ક્રિઅેટીવ બનાવવામાં અાવે, જેથી તે વધુ અસર છોડે.

સોશિયલ મીડિયાની સાથે જ પ્રિન્ટ અને ઇલેક્ટ્રો‌િનક મીડિયામાં અપાયેલી જાહેરાતોના પ્રભાવ પર સરકારની નજર છે. શું જે જાહેરાતો અપાઈ છે તેને અાપવાનો મક્સદ પૂરો થયો છે. અને શું લોકોને જાગૃત કરવા માટે અપાયેલી જાહેરાતોથી ખરેખર લોકો પર કંઈ અસર પડી છે. હવે અા બધી વસ્તુઅોનો સરકાર રિવ્યૂ કરશે.

માહિતી અને પ્રસારણ રાજ્યપ્રધાન રાઠોડે કહ્યું કે પ્રભાવશાળી જાહેરાતો કેવી રીતે બનાવવામાં અાવે તે માટે તમામ મંત્રાલયોના કેટલાક અધિકારીઅોની વર્કશોપ અાયોજિત કરાશે. અા વર્કશોપમાં એક્સ્પર્ટ અત્યાર સુધી અપાયેલી જાહેરાતોને પણ જોશે. તેઅો જોશે કે કયા મંત્રાલયે કેટલી અસરકારક જાહેરાતો અાપી, પછી ભલે તે સોશિયલ મીડિયા હોય કે અોડિયો વિઝ્યુઅલ કે પ્રિન્ટમાં.

વર્કશોપમાં અેક્સ્પર્ટ તેમને શીખવાડશે કે કેવી રીતે પોતાની વાત જાહેરાત દ્વારા અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં અાવે, જોકે માત્ર એક જાહેરાતથી સમસ્યાનો ઉકેલ અાવતો નથી. જ્યાં સુધી સરકાર તે જાહેરાતથી જે સંદેશ અાપવા ઇચ્છે છે તેને લોકો યોગ્ય રીતે સમજી ન લે ત્યાં સુધી તે જાહેરાત અસરકારક ન કહેવાય.

રાઠોડે જણાવ્યું કે એક્સ્પર્ટની સાથે પબ્લિકની સલાહ પણ લેવામાં અાવશે. અમે અોનલાઈન દેશભરના લોકોને જાહેરાત પર તેમનો પ્રતિભાવ અાપવા કહીશું અને તેમની પાસેથી શ્રેષ્ઠ જાહેરાત બનાવવાનાં સૂચનો પણ મંગાવીશું. સૂચના અને પ્રસારણ મંત્રાલય પીઅાઈબીના તમામ અધિકારીઅોને સ્માર્ટ ફોન અાપવાની તૈયારી કરી રહ્યું છે. મંત્રાલયનું માનવું છે કે તેનાથી તે સતત સમાચારના સંપર્કમાં રહેશે અને સોશિયલ મીડિયા દ્વારા પબ્લિકની નસ પણ પારખશે. સૂત્રોના જણાવ્યા મુજબ મંત્રાલય અા અંગે નાણાં મંત્રાલયને પત્ર પણ લખી રહ્યું છે.

You might also like