સમાજને વધુ સંસ્કારી બનાવવો હશે તો શિક્ષિત લોકોએ પણ જાગૃત થવું પડશે

અમદાવાદ : મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે જાહેર જીવનના કાર્યકર્તા પદાધિકારીઓને સ્વહિત નહીં સમાજહિત માટે સેવારત રહીને છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવાની સંવેદનશીલતા દાખવવા આહ્વાન કર્યું છે. આનંદીબહેનના સંવેદનશીલ શિક્ષક અને જાહેર જીવનની સુદીર્ઘ કારકિર્દીના પ્રેરક અનુભવો – પ્રસંગોની સ્વાનુભૂતિના આલેખન ‘એ મને હંમેશા યાદ રહેશે’ પુસ્તકનું આજે પાટનગર ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં સ્વામી અધ્યાત્મનંદજી અને સાહિત્યકાર ડૉ. ચંદ્રકાન્ત મહેતાના હસ્તે વિમોચન થયું હતું.

રન્નાદે પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં મુખ્ય મંત્રીએ ૩૫ પ્રકરણોમાં શિક્ષકથી મુખ્ય મંત્રી સુધીની જાહેર જીવનની સફળયાત્રાના પ્રેરક પ્રસંગો સહજસરળ ભાષામાં આલેખ્યા છે. મુખ્ય મંત્રી આનંદીબહેને આ પુસ્તક પોતાના પિતા જેઠાભાઈ અને માતા મેનાબેન તથા વડીલ બહેન સરિતાબેનને અર્પણ કર્યું છે. તેમણે કહ્યું કે, સાચા પ્રજા સેવકમાં સૌને સરળતાથી મદદરૃપ થવાનો કોઈના જીવનમાં મુશ્કેલી નિવારવાનો અને જરૃરતમંદ સુધી કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડવાનો સેવાદાયિત્વ ભાવ અભિપ્રેત છે.

શ્રીમતી આનંદીબહેને પ્રેરણાદાયી વક્તવ્યમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, મૂલ્યનિષ્ઠા કોઈપણ બાબતના મૂળમાં જઈને એના ઉકેલ માટે મથવાની ઉદ્યમશીલતાથી જ પ્રજા વર્ગોના દિલમાં જાહેરજીવનના કાર્યકર્તાનું આગવું સ્થાન ઊભું થાય છે. આ સંદર્ભમાં તેમણે રાજ્ય સરકારના આરોગ્ય સેવા અબિયાન, કુપોષણમુક્તિ, જરૃરતમંદ વંચિત અંતિમ વ્યક્તિ સુધી સહાય લાભ પહોંચાડવાની પ્રતિબદ્ધતાની સમર્પિત ભાવનાના અનેકાનેક દ્રષ્ટાંતો આગવી લાક્ષણિકતાથી આપ્યા હતા.

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, હરેક વ્યક્તિના જીવનમાં તેને હંમેશા યાદ રહી જાય તેવા અનેક પ્રસંગો-ઘટનાઓ બનતાં જ હોય છે. પરંતુ તેને આગવા દ્રષ્ટિકોણ સૂઝબૂઝથી મુલવી જરૃરતમંદને મદદરૃપ થવાનો આંતરભાવ જગાવે તેવી સંવેદના, કાંઈક આપવાનો, કોઈ માટે સમર્પિત થવાનો ભાવ જગાવીને જ જનસેવાનો આદર્શ ચરિતાર્થ થઈ શકે છે.મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી વસુબહેન ત્રિવેદીએ ‘એ મને હંમેશા યાદ રહેશે’ પુસ્તક વિમોચન પ્રસંગે જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં લખાયેલા આનંદીબહેન પટેલના અનુભવો જીવનમાં ઉતારવા યોગ્ય છે.

શિક્ષણ મંત્રી તરીકે તેમણે રાજ્યના શિક્ષણમાં પરિવર્તન આણ્યું છે. જ્ઞાન શક્તિના આધાર પર રાજ્યના શિક્ષણ વિભાગે અનેક વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ પ્રસંગે આપણને યાદ રહી જાય તેવી કન્યા કેળવણી, બેટી બચાવો, બેટી ભણાવો, મારૃં ગુજરાત સાક્ષર ગુજરાત, ઘરે ઘરે શૌચાલય, મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજનાઓ મુખ્ય મંત્રી આનંદીબહેનના કુશાગ્ર નેતૃત્ત્વમાં રાજ્ય સરકાર દ્વારા સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવી છે.

આજે આપણે પણ રાજ્યના વિકાસ માટે કંઈ એવું કાર્ય કરવાનો સંકલ્પ કરીએ જે અન્યને હંમેશા યાદ રહી જાય, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. સ્વામી આધ્યાત્માનંદજીએ વર્તમાન મુખ્ય મંત્રીને માતા ગણાવી પ્રકાશપુંજ, ઊર્જાવાન અને શક્તિશાળી મહિલાનું સન્માન આપ્યું હતું. તેમણે આશીર્વચન પાઠવતાં સમાજની વર્તમાન સ્થિતિ પ્રત્યે અંગૂલીનિર્દેશ કરતાં કહ્યું કે, ભણેલા લોકો આજે શુષ્ક છે તે વાતનું દુઃખ છે. સમાજને વધુને વધુ સંસ્કારી બનાવવો હશે તો સરકારની સાથે શિક્ષિત લોકોએ પણ જાગૃત થવું પડશે.

પુસ્તકમાં લખાયેલા પ્રસંગો વાંચીને સંવેદના જાગવી જોઈએ. ગુજરાતના નારીરત્ન એવા પ્રથમ મહિલા મુખ્ય મંત્રીએ અગાઉ મંત્રી તરીકે જે જે વિભાગોમાં કામ કર્યું છે તેને ચોક્કસ પૂરતો ન્યાય આપ્યો છે. મહિલા તરીકે નારી સંરક્ષણ ગૃહમાં રહેતી બહેનો હોય, ત્યક્તા હોય કે વિધવા હોય એમને તમામની ખૂબ ચિંતા કરી છે. આનંદીબહેને મુખ્ય મંત્રીની સાથે સાથે એક મહિલા તરીકેનું પણ મહિલાઓ માટેનું ઋણ અદા કર્યું છે. તેમ પણ સ્વામીજીએ આર્શીવચનમાં સફળતાની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું.

સાહિત્યકાર અને કટાર લેખક ડૉ. ચંદ્રકાંત મહેતાએ પુસ્તક વિમોચન પ્રસંગે જણાવ્યું હતું કે, કુદરતના ગુણોનો વિકાસ કરવો એ આપણી ફરજ છે. દરેકના મનમાં સ્વદેશ ભાવનો પ્રેમ હોવો જોઈએ. મુખ્યમંત્રીના વ્યક્તિત્વના પાંચ ગુણો સમર્પિત શિક્ષક, સમર્થ શાસક, સંવેદનશીલ સમાજસેવિકા,ત્વરીત નિર્ણયશક્તિ ધરાવતા મુખ્ય મંત્રી અને વિશ્વસનિયતા અને અખૂટ આત્મવિશ્વાસ ધરાવતા મહિલાનો ઉલ્લેખ કરતાં આ પંચામૃતને તેમના વ્યક્તિત્વના વિશિષ્ટ પાસાં ગણાવ્યાં હતાં.

શિક્ષક પ્રેમાધીશ છે નહીં કે ન્યાયાધીશ ટલે શિક્ષકનું કામ બાળક-વિદ્યાર્થીઓને પ્રેમ કરવાનું છે, શિક્ષણ આપવાનું છે તેમ પણ ડૉ. મહેતાએ ઉમેર્યું હતું અને આનંદીબહેને આજીવન શિક્ષકના આ ગુણો તેમના રાજકીય અને જાહેરજીવનમાં પણ આત્મસાત કર્યા છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ અભિનવ અવસરે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને આમંત્રિતો તથા સહૃદયીઓ વિશાળ સંખ્યામાં ભગિની શક્તિ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ હિનાબહેને સૌનો શાબ્દિક આવકાર તથા રન્નાદે પ્રકાશનના નરેશભાઈ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો.

You might also like