સભામાં સ્ટેજ તૂટી પડ્યું ચિરાગ પાસવાનનો બચાવ

ગયા : અત્રી વિધાનસભા મત વિસ્તારના મૌલાનગર ગામે ચૂંટણી સભાનું સ્ટેજ તૂટી પડતાં લોક જનશક્તિ પાર્ટીના બીજા નંબરના વડા અને જમુઇના સાંસદ ચિરાગ પાસવાન પડી ગયા હતાં. આ ઘટનામાં પાસવાન હેમખેમ બચી ગયાં હતાં, જ્યારે તેમના પક્ષના જિલ્લા વડા તૌસીફ ખાનને છાતીમાં તથા શરીરના અન્ય ભાગોમાં દુઃખાવાની ફરિયાદ સાથે ગયામાં એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ચૂંટણી સભા પૂરી થવાને આરે હતી ત્યારે ઉત્સાહી ટેકેદારો સ્ટેજ પર ચડી જતાં સ્ટેજ તૂટી પડ્યું હતું. એલજેપીના ઉમેદવાર અરવિંદ કુમાર સિંહના પ્રચાર માટે ચિરાગ સાથે અત્રી આવેલા રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએસએસપી)ના રાજ્યના પ્રમુખ અને જહાનાબાદના સાંસદ અરુણકુમાર બચી ગયા હતાં. અહેવાલો મુજબ ૨૦ માણસોના સમાવેશ માટેનું આ સ્ટેજ તૈયાર કરાયું હતું. જ્યારે ૫૦ લોકો સ્ટેજ પર ચડી જતાં તે તૂટી પડ્યું હતું.

ગયાના ડી. એમ. સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે ચિરાગ પાસવાન સહી સલામત હતા, અને આ ઘટના બાદ તરત જ પાસેના ઔરંગાબાદ જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધવા રવાના થઇ ગયા હતાં.આ ખામીને કારણે આયોજકોને શો કોઝ નોટિસ પાઠવવામાં આવશે તેમ અગ્રવાલે ઉમેર્યું હતું. આ જિલ્લામાં ૧૬મી ઓકટોબરે બીજા તબક્કામાં મતદાન યોજાશે.

આગામી ત્રણ દિવસમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ડઝનબંધ ચૂંટણી સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. અગ્રવાલે જણાવ્યું હતું કે આગળ જતાં ચૂંટણી સભામાં વધુ ચોકસાઇપૂર્વકનું આયોજન થાય તેની તકેદારી રાખવામાં આવશે.

You might also like