સતત ફ્લોપ છતાં સુરેશ રૈનાના બેટને ત્રણ વર્ષનો સ્પોન્સર મળ્યો

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના મધ્યમ ક્રમના સતત ફ્લોપ જઈ રહેલા બેટ્સમેન સુરેશ રૈનાએ પોતાના બેટ માટે ટાયર બનાવતી કંપની સિએટ લિમિટેડ સાથે ત્રણ વર્ષનો સ્પોન્સરશિપ કરાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટ (ટી-૨૦, વન ડે અને ટેસ્ટ)માં સદી ફટકારનારા એકમાત્ર ભારતીય બેટ્સમેન રૈના હવે પોતાના સિએટ બેટથી રમતો જોવા મળશે. નવા કરાર અનુસાર આઇઓએસ સ્પોર્ટ્સ અને એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિ. સાથે સુવિધાયુક્ત સિએટનો લોગો રૈના દ્વારા ઉપયોગમાં લેવાતા દરેક બેટ પર જોવા મળશે. જોકે આ કરાર બદલ સુરેશ રૈનાને કેટલી રકમ મળશે તે જાહેર કરાઈ નથી. ૨૮ વર્ષીય બેટ્સમેને આ કરાર બાદ કહ્યું, ”સિએટ જેવી બ્રાન્ડ સાથે જોડાવું એ સન્માનની વાત છે. સિએટ કંપની ક્રિકેટ સાથે લાંબા સમયથી જોડાયેલી છે અને હું આ ભાગીદારીને આગળ વધતી જોઈશ.” સિએટ લિ.ના એમડી અનંત ગોએન્કાએ કહ્યું, ”સુરેશ રૈનાને સિએટ બેટથી રમતો જોવા માટે અમે બહુ જ ઉત્સુક છીએ.” વર્ષની શરૂઆતમાં સિએટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીને પોતાના બોર્ડ સાથે જોડ્યો હતો. બ્રેટ લી સિએટ ક્રિકેટ રેટિંગ્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે.
You might also like