સતત પંદર દિવસ સવાર જ નહીં પડે?

આમ તો દરરોજ રાત પડે અને પૃથ્વી અંધકારમાં ડૂબી જાય છે, પરંતુ જરા વિચારો જો સતત ૧૫ દિવસ સુધી સવાર જ ન પડે અને સતત અંધકાર છવાયેલો રહે તો? જી હા, ખરેખર આ ઘટના બનવા જઈ રહી છે. અમેરિકાની અવકાશ સંસ્થા નાસાના જણાવ્યા મુજબ દર એક મિલિયન વર્ષે આ ઘટના બને છે. તેના પરિણામે પૃથ્વી અંધકારમાં ડૂબી જાય છે.

નાસાના જણાવ્યા અનુસાર ૧૫ નવેમ્બર, ૨૦૧૫ની બપોરના ૩-૦૦ વાગ્યાથી માંડીને ૨૯ નવેમ્બર ૨૦૧૫ની બપોરના ૪-૧૫ વાગ્યા સુધી પૃથ્વી અંધકારમાં ડૂબી જવાની છે. આ ઘટનાને ‘એસ્ટ્રોનોમિકલ યર’ કહે છે. તેને સામાન્ય ભાષામાં ‘નવેમ્બર બ્લૅકઆઉટ’ તરીકે ઓળખી શકાશે. નાસાના નિષ્ણાતો માત્ર એટલું જણાવી શક્યા છે કે, મંગળ અને ગુરુના કારણે આ ઘટના બનશે. અવકાશ વિજ્ઞાનીઓની એક આખી ટીમ આ ઘટના વિષે ગહન ચિંતન કરી રહી છે.

શરૂઆત સ્કાયલેબથી થઈ હતીઆ બધાની શરૂઆત સ્કાયલેબ પડવાની છે એવા નાસાની ખરેખરી આગાહીથી થઈ હતી. ત્યારે પણ નાસાએ સ્પષ્ટ કર્યું હતું કે, તે મહાસાગરમાં જ તૂટી પડવાની છે. છતાં યુરોપ-અમેરિકામાં લોકો ભયભીત બન્યા હતા અને તેનાથી બચવા કરોડો ડૉલરનાં જાતજાતનાં ઉપકરણોની ખરીદી કરી બેઠા હતા. અજાણી ઘટનાથી ભયભીત થવાનો જાણે કે આપણને શોખ છે.

પૃથ્વીના વિનાશની અફવાઓ આમ તો સદીઓથી ફેલાતી રહી છે, પરંતુ છેલ્લાં સાતેક વર્ષથી નિયમિત રીતે વૈજ્ઞાનિક આગાહીના ગપગોળા પ્રસારિત થતા રહે છે. પહેલાં વાત આવી હતી. મયા સંસ્કૃતિના કેલેન્ડરના આધારે પૃથ્વીના વિનાશની, પછી વાત આવી સૂર્યનાં ચોક્કસ કિરણોના કારણે 

પૃથ્વી રસાતાળ જવાની, પછી વાત આવી એક ધૂમકેતુ પૃથ્વીની અડોઅડ પસાર થવાનો છે જેના કારણે ગુરુત્વાકર્ષણમાં ભારે ઊથલપાથલ થશે અને વિનાશ વેરાશે એવી આગાહીની…

એન્ડ્રોઈડ મોબાઇલના કારણે વ્યાપ વધ્યોખૂબીની વાત એ છે કે, આવી તમામ આગાહીઓ અમેરિકાની સૌથી વિશ્વાસપાત્ર અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ના નામે કરાય છે. કમ્પ્યૂટર, લેપટોપ અને પછી ટેબ્લેટ સાથે ઈન્ટરનેટ પણ ઘેરઘેર પહોંચ્યું છે. એન્ડ્રોઈડ મોબાઇલ રૂપે તો ઈન્ટરનેટ લોકોના ખિસ્સે-ખિસ્સે પહોંચી ગયું છે. એટલે અફવા ફેલાવનારા માટે મેદાન મોકળું બની ગયું છે. આજકાલ વોટ્સએપ અને ફેસબૂકના માધયમથી એક ટીવી ચેનલની આ ક્લિપ ખિસ્સે ખિસ્સે ફરી રહી છે.

જુલાઈ વિષે આવી જ આગાહી થઈ હતીમઝાની વાત એ છે કે, ત્રણ મહિના અગાઉ સંખ્યાબંધ વેબસાઈટ્સ પર અહેવાલ જોવા મળ્યો હતો. તેમાં લખ્યું હતું, ‘અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ આ વાતની પુષ્ટિ કરી છે કે, અતિભયાનક સૌર-વાવાઝોડાંના કારણે અને કેટલાક ગ્રહો ચોક્કસ ખૂણે એક સીધી રેખામાં આવવાની ખગોળીય ઘટનાના કારણે દિવસો સુધી પૃથ્વી પર અંધકાર છવાઈ જશે. ૩૦ જૂન, ૨૦૧૫થી આ અંધકારની શરૂઆત થશે અને ૬ જુલાઈ, ૨૦૧૫ સુધી સમગ્ર પૃથ્વી અંધકારમાં ગરકાવ રહેશે.’

ડિસેમ્બરમાં પણ આગાહી થઈ હતીઓક્ટોબર ૨૦૧૪ના છેલ્લા અઠવાડિયામાં ઈન્ટરનેટની સંખ્યાબંધ વેબસાઈટ્સ પર આગાહી પ્રગટ કરવામાં આવી હતી કે, નાસાએ અહેવાલોનો સ્વીકાર કર્યો છે કે, ખરેખર ખગોળવિજ્ઞાનની અજાયબ ઘટના બનવાની છે, તેના પરિણામે પૃથ્વી પર સતત છ દિવસ સુધી અંધકાર છવાયેલો રહેશે. ૧૬ ડિસેમ્બર, ૨૦૧૪થી તેનો આરંભ થશે અને ૨૨ ડિસેમ્બર, ૨૦૧૪ સુધી અંધકાર છવાયેલો રહેશે. પૃથ્વી સુધી સૂર્યનો પ્રકાશ પહોંચશે જ નહીં. સૂર્યમાં ઉત્પન્ન થયેલાં સૌર-વાવાઝોડાંના પરિણામે પૃથ્વીના અવકાશના ઉંબરે ફરતો અપાર કચરો પણ વલોવાશે અને સૂર્યનો ૯૦ ટકા પ્રકાશ એમાં રોકાઈ જશે. આ આગાહી ફેસબૂકના માધ્યમથી ચોમેર ફરી વળી હતી.

૨૦૧૨થી અંધકારની આગાહી જન્મીજાન્યુઆરી ૨૦૧૨માં મયા સંસ્કૃતિના કેલેન્ડરની આગાહી મુજબ પૃથ્વીનો અંત આવશે એવી આગાહી જે ૨૦૧૧માં ખૂબ ચગી હતી એ ખોટી પડ્યા પછી બે મહિનામાં અસંખ્ય વેબસાઈટ્સ પર ખૂબ વિગતવાર અને તરત ગળે ઊતરી જાય એવો અહેવાલ હતો કે ૨૩, ૨૪ અને ૨૫ ડિસેમ્બર ૨૦૧૨; આ ત્રણ દિવસ માટે પૃથ્વી અને સૂર્ય અનોખી રીતે સીધી રેખામાં આવી રહ્યા છે. આ દરમિયાન પૃથ્વી તેનું ત્રિપરિમાણીય રૂપ ગુમાવીને શૂન્ય પરિમાણ ધારણ કરશે અને પછી ચોથા પરિમાણમાં પ્રવેશ કરશે. આ દરમિયાન સમગ્ર બ્રહ્માંડમાં ભારે પરિવર્તન સર્જાશે. પૃથ્વી અંધકારમાં ડૂબેલી રહેશે અને ચોથા દિવસે તદ્દન નવું સ્વરૂપ ધારણ કરશે.

નાસાએ પ્રણાલી તોડવી પડીત્યારે જ નાસાએ અહેવાલને રદિયો આપતાં ખુલાસો કર્યો હતો કે, આવી કોઈ ઘટનાની નાસાએ જાહેરાત કે કબૂલાત કરી નથી. આગામી અનેક દાયકાઓ સુધી આવી કોઈ ઘટના બનવાની નથી. નાસા આવી અફવાઓ પર ધ્યાન ન આપવાની નીતિ કરાવે છે, પરંતુ અફવાઓ ફેસબૂક, 

વોટ્સએપ વગેરે માધ્યમોથી દાવાનળની જેમ ફરી વળે તો લોકો એ જ માધ્યમો દ્વારા નાસા પર સવાલોનો મારો ચલાવે છે. તેથી પોતાની પ્રણાલી વિરુદ્ધ નાસાએ ખુલાસા કરવા પડે છે. આ વખતે પણ નાસાએ પ્રણાલી તોડીને ખાતરી ઉચ્ચારવી પડી છે કે, આવી કોઈ ઘટના નજીકનાં વર્ષોમાં તો ઠીક, આખી સદીમાં બનવાની નથી. મહેરબાની કરી આવી વાતોને ગણકારશો નહીં.

તો આવા સમાચાર સાથે નાસાના ઍડ્મિનિસ્ટ્રેટરનો વીડિયો બતાવાય છે તે શું છે? તેનો ખુલાસો કરતાં નાસાએ કહ્યું, ‘આ અફવાનું મૂળ નાસાના ઍડ્મિનિસ્ટ્રેટર ચાર્લ્સ બોલ્ડનના એક વીડિયોમાં જ છે. એ વીડિયોમાં ચાર્લ્સે વાવાઝોડાં, ભૂકંપ, ભયાનક પૂર વગેરે કુદરતી આફતો વખતે સલામતી માટે નાગરિકોએ શું તૈયારી રાખવી જોઈએ તેનાં સૂચન કર્યાં હતાં. એ સૂચનોની વીડિયો દરેક અફવાના સમાચાર સાથે જોડીને ‘નાસાએ કબૂલ કર્યું’ એમ કહી દેવાય છે.

એમ. એ. ખાન

You might also like