સંસદ ચાલવા દોઃ ૧પ,૦૦૦ લોકોએ સાંસદોને અપીલ કરી

નવી દિલ્હીઃ ભારતીય સંસદના ઈતિહાસમાં કદાચ પહેલી વખત એવો મામલો સામે આવ્યો છે કે જયારે લોકો સંસદ ચાલવા દેવાની અપીલ કરી છે. દેશના ટોચના ઉદ્યોગપતિઓ સહિત લગભગ ૧પ હજાર લોકો એક ઑનલાઇન અભિયાન થકી સાંસદોને જણાવી રહ્યાં છે કે તેઓ સંસદને ચાલવા દે, મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થવા દે અને દેશના વિકાસ માટે જરૂરી કામ થવા દે.

ગત શનિવારે ચેન્જ ડોટ ઓઆરજી પર લોન્ચ કરવામાં આવેલી આ પિટિશનને બજાજ સમૂહના રાહુલ બજાજ, ઇન્ફોસીસના સંસ્થાપક ક્રિસ ગોપાલ ક્રિષ્નન, હીરો મોટોકોર્પના પવન મુંજાલ, અદી ગોદરેજ, કિરણ મજમુદાર જેવા દેશના દિગ્ગજોએ સહી કરી છે.

ર૦૦રના ગુજરાત રમખાણો બાદથીમોદીના ટીકાકાર ગણાતા સાંસદ અનુ આગાએ પણ આ પિટિશન થકી સંસદમાં ગતિરોધ સમાપ્ત કરવાની વિનંતી કરી છે. આ લિસ્ટમાં દેશના ટોચના ડોકટર નરેશ ત્રેહન અને અશોક શેઠ, આઇઆઇટી મદ્રાસના અશોક જુનજુનવાલા અને આઇઆઇએમ અમદાવાદના પિયુષકુમાર સિંહા ઉપરાંત દેશના અનેક અમલદારો પણ સામેલ છે.

પિટિશનમાં જણાવાયું છે કે, સંસદમાં ગતિરોધ કોઇ નવી વાત નથી. એ હંમેશ માટે નથી રહેતો પરંતુ સંસદ ઠપ્પ થવાથી દેશનું લોકતંત્ર નબળુ પડે છે. સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંનેની મહત્વની ભૂમિકા છે અને રાજકીય સર્વસંમતિ ભારતીય લોકતંત્રની મોટી ખૂબીઓમાંથી એક છે. સંસદના ચોમાસુ સત્રમાં નવી સરકારને વિકાસ માટે જરૂરી એવા કેટલાંક ખરડાઓ રજૂ કરવાના હતા પરંતુ વિપક્ષના હંગામાને કારણે એકપણ બિલ ઉપર ચર્ચા થઇ શકી નથી. જીએસટી આવો જ એક ખરડો છે.

 

You might also like