સંસદની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવા સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક એવી અરજી ફગાવી દીધી હતી, જેમાં સંસદની વિના રોકટોક કાર્યવાહી હાથ ધરી શકાય એ માટે માર્ગદર્શિકાની દાદ માગવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ન્યાયતંત્ર ધારાસભાની કાર્યવાહીમાં નિગરાની રાખી શકે નહીં. ધારાસભાનું સુકાન સ્પીકરના હાથમાં હોય છે. એટલે ન્યાયતંત્ર દ્વારા તેની નિગરાની રાખવાનો કોઈ પણ પ્રયાસ કરવામાં આવે તો ‘લક્ષ્મણ રેખાનું’ ઉલ્લંઘન ગણાશે.

આ પ્રકારની બાબતો કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવા સામે વાંધો લેતાં સર્વોચ્ચ અદાલતે દલીલો કરતા ધારાશાસ્ત્રીને જણાવ્યું હતું કે ‘તમે પોતાનું ઘર (અદાલત) સ્વચ્છ રાખો છો?’તમને કદાચ એની જાણ નહીં હોય, પરંતુ ભારતના વડા ન્યાયમૂર્તિ તરીકે હું એ જાણું છું કે કેટલાં ઘરને (કોર્ટોને) તમે સ્વચ્છ રાખો છો, એમ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ એચ. એલ. દત્તુએ તાજેતરમાં મદ્રાસ હાઈ કોર્ટમાં બનેલા બનાવના સંદર્ભમાં દેખીતી રીતે જણાવ્યું હતું, જયાં વડા ન્યાયમૂર્તિ સામે ધારાશાસ્ત્રીઓએ જ કોર્ટમાં સૂત્રોચ્ચાર કરીને કાર્યવાહી ખોરવી નાંખી હતી.

સર્વોચ્ચ ન્યાયમૂર્તિને શાંત પાડવાનો ધારાશાસ્ત્રીએ પ્રયાસ કરતાં બેન્ચે જણાવ્યું હતું કે અમે સંસદની નિગરાની રાખી શકીએ નહીં. સંસદમાં ગૃહના સ્પીકર જાણે છે કે ગૃહમાં કેવી રીતે વ્યવસ્થા જાળવી શકાય. અમને અમારી લક્ષ્મણરેખાની જાણ છે અને અમારે એ રેખાનું કયારે પણ ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. સંસદમાં આ રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવવી જોઈએ એમ કરીને અમે સીમાનું કયારેય ઉલ્લંઘન કરીશું નહીં, એમ બેન્ચે જણાવ્યું હતું.

વધુમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે સંસદપટુઓ એ વાત સુપેરે જાણે છે કે કેવી રીતે સંસદની કાર્યવાહી થાય. અમે તેમને પાઠ ભણાવી શકીએ નહીં, એમ ફાઉન્ડેશન ઓફ રિસ્ટોરેશન ઓફ નેશનલ વેલ્યૂઝ નામની એનજીઓ દ્વારા કરવામાં આવેલી અરજી ફગાવી દેતાં બેન્ચે જણાવ્યું હતું. બેન્ચે એવું સૂચન કર્યું હતું કે કાયદાની ઊણપ અંગે સ્પીકર સમક્ષ રજૂઆત કરવામાં આવે એ જરૂરી છે, જેથી તેઓ સંભાળ રાખી શકે.

જનહિત અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ૬ સત્રમાં લગભગ ૨,૧૬૨ કલાકનું સંસદનું કામકાજ ધોવાઈ ગયું છે. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે કાયદાના અભાવે સંસદની કાર્યવાહીમાં થયેલા વિક્ષેપને પહોંચી વળવાની બાબતમાં સંપૂર્ણ અંધાધૂંધી પ્રવર્તતી હતી. તાજેતરના ચોમાસુસત્રમાં સંસદમાં આપણને આવું જોવા મળ્યું હતું.

You might also like