સંસદના ચોમાસું સત્રનો કડવાશભર્યો અંતઃ પ્રજાને કરોડોનો ચુનો

નવી દિલ્હી : સંસદના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ હતો અને આજે સરકાર રાજયસભામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) ખરડો મંજૂર કરાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ પરિણામ આવ્યું નહીં ત્યારે  સરકારે જીએસટી માટે ખાસ ટૂંકુ સત્ર બોલાવવાનો નિર્દેશ આપ્યો હતો. નાણાપ્રધાન અરુણ જેટલીએ એક એપ્રીલ, ર૦૧૬થી જીએસટીના અમલની સરકારની પ્રતિબધ્ધતા દર્શાવી હતી.

આ ખરડો રાજયસભામાં રજૂ તો કરી દીધો છે પરંતુ સુષ્મા સ્વરાજ અને લલિત મોદીના મામલામાં રાજયસભામાં કોઈ કાર્યવાહી થઈ શકી નથી. બીજી તરફ લોકસભામાં પણ કોઈ કાર્યવાહી થઈ શકી નથી અને ગઈકાલે તો અભૂતપૂર્વ ધમાલ થઈ હતી. બંને પક્ષોએ પોતાના વલણમાં લેશમાત્ર બદલાવ લાવ્યા વિના પોતાની લડતને હવે શેરીઓમાં લઇ જવા મન મનાવી લીધું હતું.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે સવારે મળેલી પાલર્મિેન્ટરી કમિટીની બેઠકમાં સંસદનું વર્તમાન સત્ર નહીં લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. ગઈકાલે અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકાર સત્રના અંતિમ દિવસે આ ખરડો મંજૂર કરવા માટેના તમામ પ્રયાસો કરશે. કોંગ્રેસે જીએસટી ખરડો મંજૂર નહીં થવા દેવાનું મન બનાવ્યું છે અને તેથી રાજયસભામાં ભારે ધમાલ મચાવવામાં આવી રહી છે.

સરકાર માટે રાહતની બાબત એ છે કે જીએસટી ખરડા માટે તેને તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જેવા પક્ષોનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે અને રાજયસભામાં કોંગ્રેસ એકલી પડે તેવી સ્થિતિ છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવારના વર્તનને કટોકટીના દિવસો વખતનું ગણાવ્યું હતું.વડાપ્રધાને જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષે છેલ્લાં ૧૫ દિવસમાં લોકશાહી વિરોધી વર્તણુંક દર્શાવી હતી.

બિનલોકશાહી વર્તન તથા ભાજપ તરફના ધિક્કારના અભિગમ દ્વારા વિપક્ષે રાજકારણ ડહોળાવ્યું છે. દરમિયાનમાં આજે એનડીએના સાસંદોએ દિલ્હીમાં લોકશાહી બચાવો રેલીનું આયોજન કર્યું હતું. ગઈકાલે રાજયસભાનું કામકાજ તો સ્થગિત કરી દેવામાં આવ્યું હતું પરંતુ લોકસભામાં સુષ્મા સ્વરાજ અને રાહલ ગાંધી વચ્ચે જબરું વાકયુદ્ઘ થયું હતું અને અંગત આક્ષેપો ઉપર બન્ને નેતાઓ ઉતરી આવ્યા હતાં.

સુષ્મા સ્વરાજે પોતાના નિવેદનમાં બોફોર્સ મામલામાં ગાંધી પરિવારે પૈસા મેળવ્યાનો ઉલ્લેખ કર્યો હતો તો રાહલ ગાંધીએ લલિત મોદી પાસેથી સુષ્માના પરિવારે પૈસા મેળવ્યાનો પોતાનો આક્ષેપ દોહરાવ્યો હતો. આ શાબ્દિક લડાઈમાં સોનિયા ગાંધીની બહેનનું નામ પણ ઉછળ્યું હતું અને સોનિયા ગાંધી ઉશ્કેરાઈને વેલમાં ધસી આવ્યા હતાં. દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર આજે મળેલી સીસીપીએની બેઠકમાં સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો પોતાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.

સરકાર આજે સત્રને પૂરું થયેલું જાહેર નહીં કરે પરંતુ અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી શકે છે. મહત્વના અન્ય ખરડાઓ મંજૂર થવાના બાકી હોવાથી સરકારે આ વિકલ્પ રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.

You might also like