સંપૂર્ણ પરિવર્તન માટે તૈયાર છે ‘દ્રશ્યમ’થી ચમકેલી ઈશિતા

ગ્લેમરના દમ પર બોલિવૂડમાં કરિયર બનાવવાનો પ્રયાસ કરી ચૂકેલી મોડલ-અભિનેત્રી તનુશ્રી દત્તાની નાની બહેન ઈશિતા દત્તાએ બોલિવૂડમાં કરિયર બનાવવાના હેતુથી ફિલ્મ ‘દૃશ્યમ’માં અજય દેવગણની સાથે શરૂઅાત કરી. 

ઈશિતા ખુશ છે કે પહેલી ફિલ્મમાં તેને નિશિકાંત કામત અને અજય દેવગણ જેવાં મોટાં નામો સાથે કામ કરવાનો મોકો મળ્યો. ઈશિતાને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં પહેલાં થોડાં વર્ષો ખૂબ જ પડકારજનક, મહેનતવાળાં અને મહત્ત્વપૂર્ણ હોય છે, જે કોઈ પણ કલાકારનું ભવિષ્ય નક્કી કરે છે. તે ખુશ છે કે તેણે પોતાની કરિયરની શરૂઅાત કરવામાં ઉતાવળ ન કરી. તેની પાસે શીખવા અને વિકસિત થવા માટે પર્યાપ્ત સમય છે. હજુ તો માત્ર શરૂઅાત છે અને હજુ અસલી અવરોધોને પાર કરવાના બાકી છે. 

ઈશિતા કહે છે કે હું નાની હતી ત્યારે નક્કી કરી શકતી ન હતી કે મોટી થઈને હું શું કરીશ. ક્યારેક હું એન્જિનિયર તો ક્યારેક ટેનિસ ખેલાડી તો ક્યારેક પ્રોફેસર બનવાનું વિચારતી. અાજે એક અભિનેત્રી બન્યા બાદ હું તમામ પાત્રને રૂપેરી પરદે જીવી શકું છું, જે મારા માટે ખૂબ જ રોમાંચક છે. 

ઈશિતાને ખ્યાલ છે કે અભિનેતા કે અભિનેત્રી બન્યા બાદ વ્યક્તિનું જીવન સામાન્ય રહેતું નથી. એક કલાકારનું જીવન અસામાન્ય બની જાય છે, કેમ કે તે ચઢાવ-ઉતારથી ભરેલું હોય છે. ઈશિતા અા પરિવર્તન માટે સંપૂર્ણ તૈયાર છે. 

You might also like