સંજયનગર તોડવા જતાં પથ્થરમારો : લાઠીચાર્જ

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે સવારે સમા સંજયનગર વસાહતના ગેરકાયદે દબાણોનો સફાયો કરવા ઓપરેશન ડિમોલિશન દરમિયાન ભારે ઘર્ષણ સર્જાતા ભાગદોડ મચી ગઇ હતી. વિસ્તારમાં પાલિકાની દબાણ શાખા ઉપર પથ્થરમારો કરાતા વાતાવરણ તંગ બન્યુ હતું. પોલીસ અને સિક્યોરિટી જવાનોએે લાઠીચાર્જ કરી મામલો કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે મહિલા સહિત પાંચથી વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

દરમિયાનમાં દબાણ શાખાની ટીમ દ્વારા ડિમોલીશનની કામગીરી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી જે થોડા સમય બાદ પુનઃ શરૂ કરી દેવાઇ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સમા સંજયનગર વસાહત ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનોનો બનાવવાનું આયોજન હાથ ધરાયું છે જે અનુસંધાને સેવાસદનનના વહીવટી તંત્ર દ્વારા ગત શનિવારના રોજ સમા સંજયનગર વસાહત ખાતેમાપણી હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક રહીશો દ્વારા આ કામગીરીનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિકાના કર્મચારીઓ સાથે રકઝક કરી તેમને ધક્કે ચડાવ્યા હતા. જેથી જમીન માપણીની કામગીરી પડતી મૂકી કર્મીઓને ત્યાંથી રવાના થવાની ફરજ પડી હતી. સોમવારની સવારે વડોદરા મહાનગર સેવાસદનની દબાણ શાખાના અધિકારી (ડાયરેક્ટર) મંગેશ જયસ્વાલ, કાર્યપાલક ઇજનેર રાજેશ શિમ્પી સહિત અન્ય કર્મીઓની ટુકડી સાધન સામગ્રી સાથે ઓપરેશન ડિમોલીશનની કામગીરી હાથ ધરવા સમા સંજયનગર ખાતે પહોંચી હતી.

પોલીસ દ્વારા સમા સંજયનગર ખાતે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડીસીપી (નોર્થ) લીના પાટીલ સહિત વરીષ્ઠ પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. ઓપરેશન ડીમોલીશનની કામગીરી પૂર્વે સ્થાનિક રહીસો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવતા હોબાળો થયો હતો. જોકે, રોષે ભરાયેલા ટોળા દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવતા વાતાવરણ તંગ થયું હતું.

ફરજ પર તૈનાત પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પથ્થરમારામાં મહિલા સહિત પાંચથી વધુ શખ્સોને ઇજા પહોંચી હતી. બપોરના સમયે ઓપરેશન ડિમોલિશનની કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહ્યુ હતુ. આ બનાવને ધ્યાનમાં રાખી પોલીસે આઠ જેટલા વ્યક્તિઓની અટકાયત કરી હતી. આ બનાવમાં ઘવાયેલા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની મદદ માટે બોલાવવી પડી હતી.

દિવસ દરમિયાન અનેકવાર પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાતા રહ્યા હતા. જેમા પોલીસ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડતી હતી તો બીજી બાજુ પાલિકાની ટીમ દબાણો હટાવવાની કામગીરી કરી રહી હતી. આજે દિવસ દરમિયાન  ૮૦ જેટલા ઝૂંપડા અને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આવતીકાલે પણ આ કામગીરી ચાલુ રહેશે તેમ જાણવા મળે છે.

એટલું જ નહીં પાલિકાએ આ દબાણ તોડવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કેસ કર્યા હતા. આખરે ઝૂંપડાવાસીઓ સુપ્રીમ કોર્ટમાં હારી ગયા હતા. સંજયનગરમાં ૨૩૦ જેટલા ઝૂંપડાં તોડવામાં આવનાર છે. આ ઝૂંપડાં હટાવી તેઓને મુખ્યમંત્રી આવાસ યોજનામાં વિના મૂલ્યે મકાનની પણ ફાળવણી થસે તેમ જાણવા મળે છે.

You might also like