સંઘ-ભાજપના સંબંધો વિશે પુસ્તક ન લખવા માટે સોની માની ગયા

આરએસએસના પ્રચારક સુરેશ સોનીએ થોડા દિવસો પહેલાં એવી જાહેરાત કરી હતી કે, સંઘ અને ભાજપ વચ્ચેના સંબંધોના ઇતિહાસ પર એક પુસ્તક લખવાનો તેમનો ઇરાદો છે. તેમની આ વાતથી સંઘ-ભાજપનાં વર્તુળોમાં હલચલ મચી ગઈ હતી. સોની દસ વર્ષ સુધી સંઘ વતી ભાજપની બાબતોના પ્રભારી હતા. તાજેતરમાં જ તેમની જવાબદારી ઘટાડવામાં આવી છે.

હૃદયરોગના હુમલાને કારણે હાલ તેઓ કેરળની આયુર્વેદિક હેલ્થ સંસ્થામાં સારવાર લઈ રહ્યા છે. હવે તેમને સંઘ તરફથી મોદી સરકાર સાથે સમન્વય જાળવવાની જવાબાદારી સોંપવામાં આવી છે. તેઓ પુસ્તક લખવાના છે એવી વાત વહેતી થતાં જ સંઘના ટોચના નેતાઓને એવું લાગ્યું કે, તેઓ જાણે-અજાણે પુસ્તકમાં કોઈ ગોપનીય વાતનો ઉલ્લેખ ન કરી દે!

ચર્ચા એવી છે કે, ખુદ સંઘના વડા મોહન ભાગવતે સોની સાથે વાત કરી અને તેમને હમણાં પુસ્તક ન લખવા સમજાવ્યા. તેમણે જ સોનીને કેરળના આયુર્વેદિક સંસ્થાનમાં સારવાર અને આરામની સલાહ આપી હતી અને થોડા મહિનાના સ્વાસ્થ્ય લાભ પછી ઇચ્છા થાય તો પુસ્તક લખવા સૂચવ્યું હતું. સોનીએ તેમની સલાહ સ્વીકારી લીધી હોવાનું જણાય છે. 

 

You might also like