સંઘ પ્રમુખ ભાગવતના અનામત નિવેદન પર રાજકારણ ગરમાયું

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું હાલ જે રાજકીય મહત્ત્વ છે તેને જોતાં એ વાતમાં સહેજ પણ આશ્ચર્ય નથી કે અનામતના મામલે સંઘના પ્રમુખ મોહન ભાગવતના સૂચનો પર તત્કાળ ઉગ્ર રાજકીય પ્રત્યાઘાતો પડયા છે. મોહન ભાગવતે સંઘના મુખપત્રો ‘પાંચ જન્ય’ અને ‘ઓર્ગેનાઈઝર’ સાથેની એક મુલાકાતમાં અનામત નીતિ પર પોતાનાં સૂચનો રજૂ કરીને વિવાદને ભડકાવ્યો છે. 

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે અનામત પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં તેના પર પુનઃવિચારણા કરવા જણાવ્યું હતું. અનામત પર રાજકારણ અને તેના દુરુપયોગનો આક્ષેપ કરતાં મોહન ભાગવતે એવું સૂચન કર્યું છે કે અનામત નીતિ પર એક સમિતિની રચના કરવી જોઈએ. આ સમિતિ કેટલા લોકોને અને કેટલા િદવસ સુધી અનામતની જરૂર છે એ અંગે નિર્ણય લેશે.

મોહન ભાગવતે જણાવ્યું હતું કે આવી કમિટીમાં નેતાઓ કરતા સેવાની ભાવના ધરાવતા લોકોને વધુ સ્થાન અને મહત્ત્વ આપવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે અનામત અંગે એ‍વા સમયે નિવેદન કર્યું છે જ્યારે ગુજરાતમાં પાટીદાર પટેલોનો એક સમુદાય ઓબીસી ક્વોટામાં અનામતની માગણીને લઈને ઉગ્ર આંદોલન કરી રહ્યો છે. ગુજરાતમાં પાટીદાર અને રાજસ્થાનમાં ગુર્જરો સહિત કેટલાય વિસ્તારોમાં અનેક જ્ઞાતિઓને અનામત આપવાની વધતી જતી માગણીની પૃષ્ઠભૂમિમાં સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે પોતાના સંગઠનના મુખપત્રો ‘પાંચ જન્ય’ અને ‘ઓર્ગેનાઈઝર’ સાથેની મુલાકાતમાં આ પ્રકારના સૂચનો કર્યાં છે.

મોહન ભાગવતે જણાવ્યું છે કે બંધારણમાં સામાજિક રીતે પછાત વર્ગ પર આધારિત અનામત નીતિની વાત કરવામાં આવી છે. બંધારણના નિર્માતાઓના મનમાં જે પ્રકારની વાત હતી તે પ્રકારે જો અનામત નીતિ ચલાવવામાં આવી હોત તો આજે આ બધા પ્રશ્નો ઊભા ન થાત, પરંતુ હવે અનામત નીતિનો રાજકારણ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોહન ભાગવતના આ નિવેદન બાદ વિરોધપક્ષોએ તેમના પર પ્રહારો કર્યા છે. જદયુના નેતા કે.સી. ત્યાગીએ જણાવ્યું છે કે મોહન ભાગવતનાં નિવેદન બાદ બંધારણમાં વિશ્વાસ ધરાવતા તમામ રાજકીય પક્ષોએ મોહન ભાગવત વિરુદ્ધ સંગઠિત થવું જોઈએ. ભાગવતના આ નિવેદનના ઉગ્ર પ્રત્યાઘાતો પડતાં તમામ રાજકીય પક્ષો હવે ઉછળી ઉછળીને અનામત પર બોલી રહ્યા છે. રાજદના પ્રમુખ લાલુપ્રસાદ યાદવે મોહન ભાગવતના નિવેદન પર ઉગ્ર પ્રતિક્રિયા આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે સીધું નિશાન તાકીને સવાલ ઉઠાવ્યો હતો કે શું વડા પ્રધાન મોદી સંઘ પ્રમુખ ભાગવતના આદેશ પર પછાત અને દલિત વર્ગ માટે અનામતને ખતમ કરવા જઇ રહ્યા છે? લાલુ પ્રસાદ યાદવે ટ્વિટ કરતાં એટલી હદે જણાવ્યું હતું કે જો તમારી માતાનું દૂધ પીધું હોય તો અનામત નાબૂદ કરીને બતાવો. કહેવાતા ચાવાળા અને નવા નવા પછાત બનેલા મોદી જણાવે કે તેઓ તેમના આકા ભાગવતના કહેવાથી અનામત નાબૂદ કરવાના છે કેમ?

અન્ય એક ટ્વિટમાં લાલુ યાદવે જણાવ્યું હતું કે તમે અનામત નાબૂદ કરવાની વાત કરો છો, પરંતુ અમે વસ્તીના સપ્રમાણમાં અનામત વધારીશું. બધાને પોતપોતાની તાકાતની ખબર હોય છે. સંઘ અને ભાજપ અનામત નાબૂદી માટેનો માહોલ બનાવવા ભલે ગમે તેટલા ધમપછાડા કરે, પરંતુ દેશની વસ્તીનો ૮૦ ટકા ભાગ ધરાવતા પછાત વર્ગો અને દલીતો તેમને વળતો જવાબ આપશે.

મોહન ભાગવતના અનામત પરનાં નિવેદનના એટલા ઉગ્ર પ્રત્યાઘાતો પડયા કે ખુદ ભાજપને પણ મોહન ભાગવતના સૂચનનો વિરોધ કરવો પડયો. ભાજપે સંઘથી વિરોધાભાસી નિવેદન કરતાં જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત જ્ઞાતિઓને અનામત માટે અધિકાર છે અને જણાવ્યું હતું કે ભાજપ તેમના આ અધિકારનો આદર કરે છે. ભાજપના વરિષ્ઠ પ્રધાન રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે જનસંઘના સમયથી ભાજપ એવું દૃઢપણે માને છે કે એસસી, એસટી, પછાત અને દલિતોના સામાજિક અને આર્થિક ઉત્થાન અને અધિકારિતા માટે અનામત આવશ્યક છે. આમ હવે જ્યારે અનામત મુદ્દે વિવાદ છેડાયો છે અને ગુજરાતમાં પણ પાટીદારો માટે અનામતનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે ત્યારે અનામતના ઇતિહાસ, તેની આવશ્યકતા, તેની કસોટી, તેની પદ્ધતિ અને લાભાર્થીઓની ઓળખ વગેરે વિવિધ પાસાઓ પર અનામત અંગે જાહેર ચર્ચા થવી આવશ્યક છે.

 

You might also like