સંઘનો સ્વયંસેવક હોવાનો મને ગર્વ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) એ આજે જણાવ્યું હતું કે મોદી સરકારની દિશા અને સમર્પણ ખૂબ સારા છે અને સરકારે ભારત પર વિશ્વના વિશ્વાસનો પુનઃસંચાર કર્યો છે. સંઘે જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે  સંઘ પ્રતિબધ્ધ છે. સંઘે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે સંઘની ત્રણ દિવસની બેઠક મોદી સરકારની કામગીરીની સમીક્ષા માટે નહોતી. દરમ્યાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  છેલ્લાં દિવસે બેઠકમાં હાજર રહ્યા હતા.

આરએસએસના નેતા દત્તાત્રેય હોસબોલેએ અત્રે પત્રકારોને જણાવ્યું હતું કે સંઘ પરિવાર અને સરકાર વચ્ચે દિવસભર થયેલી ચર્ચામાં વ્યાપકપણે આંતરિક સુરક્ષા અને વિકાસના મુદ્દા કેન્દ્ર સ્થાને રહ્યા હતા.દરમ્યાન, વડાપ્રધાન મોદી છેલ્લા દિવસે બેઠકમાં હાજર રહ્યા હતા. સંઘ અને પીએમ મોદી વચ્ચે સરકારની નીતિઓ વિશે ચર્ચા થઈ હોવાનું મનાય છે. 

દત્તાત્રેય હોસબોલેએ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી.  તેમણે કહ્યું હતું’અમારું સંગઠન ગેરકાયદેસર નથી અને પ્રધાનોને સવાલો પૂછવાના અમને તમામ અધિકાર છે. તેમાં ગુપ્તતા જેવું કશું નથી.’ તેમણે એમ પણ કહ્યું હતું ‘ સંઘના કાર્યકરોએ ગ્રામીણ જીવન સ્તર કેવી રીતે સુધરી શકે તે માટે કેવું આર્થિક મોડેલ હોવું જોઈએતે વિશેના તેમના વિચારો જણાવ્યા હતા.

હોસબોલેએ કહ્યું હતું કે ૧૪ મહિના પૂરા થઈ ગયા છે, હજુ ઘણું કરવાનું બાકી છે. સરકાર યોગ્ય અને સાચી દિશામાં આગળ વધી રહી છે.  સરકાર પ્રતિબધ્ધ છે. સરકારની સિધ્ધિઓ પણ સારી છે. ‘વન રેન્ક વન પેન્શનના મુદ્દે પડેલી મડાગાંઠનો ઉલ્લેખ કરતાં સંઘના નેતાએ કહ્યું હતું ‘ સરકાર વહેલી તકે આ પ્રશ્રનો ઉકેલ લાવી દેશે તેવો અમને વિશ્વાસ છે’. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણના મહત્વની બાબતે પણ ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું ‘શિક્ષણ તમામને સહેલાઈથી મળી રહે તેવું, આર્થિક રીતે તમામને પરવડે તેવું અને સમગ્ર સમાજને આવરી લે તેવું હોવું જોઈએ’.

 

સરકાર અને સંઘ વચ્ચે આ પ્રથમ બેઠક હતી જેમાં ઘણાં મુદ્દા પર ચર્ચા થઈ હતી. મોદી સરકારના ઘણાં ટોચના મંત્રીઓએ આંતરિક સુરક્ષા, નક્સલ સમસ્યા અને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સહિત મુખ્ય મુદ્દાઓ પર થયેલી ચર્ચામાં ભાગ લીધો હતો. ચર્ચામાં વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, મનોહર પારિકર, વેંકૈયા નાયડુ અને અનંતકુમાર જોડાયા હતા.

You might also like