સંગીત સોમ ખુદ ગૌમાંસ ખાય છે, ડીએનએ ટેસ્ટ કરાવી લોઃ આઝમ

મુરાદાબાદઃ સમાજવાદી પક્ષના નેતા અને ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન આઝમ ખાને જણાવ્યું છે કે ગૌરક્ષાની વાતો કરનારા ભાજપના ધારાસભ્ય સંગીત સોમ ખુદ ગૌમાંસ ખાય છે અને ઈચ્છો તો તમે તેનો ડીએનએ ટેસ્ટ કરાઈ શકો છો. આઝમખાને ભાજપને પૂછ્યું હતું કે મુસ્લિમો પર ક્યાં સુધી જુલમો થતા રહેશે ? નિર્દોષ મુસ્લિમો મૃત્યુ પામી રહ્યા છે.

આઝમ ખાને વધુમાં જણાવ્યું હતું કે બિહારની ચૂંટણીમાં ભાજપની હાલત દિલ્હી જેવી થશે. તેમણે નરેન્દ્ર મોદી સામે નિશાન તાક્યું હતું. અત્રે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા આઝમ ખાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કંદોઈ પોતાની મીઠાઈ ન ખાય, ચાવાળો પોતાની ચા ન પીએ એવું કઈ રીતે થઈ શકે.

તેમણે જણાવ્યું હતું કે આવું જ મીટના વેપારી સંગીત સોમનું છે. મીટનો વેપાર કરતા સંગીત સોમ ગૌમાંસ ન ખાતા હોય એવું કઈ રીતે બની શકે ? સંગીત સોમ સ્વયં ગૌમાંસ ખાય છે. ડીએનએ ટેસ્ટ કરાવી લો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

દેશના મુસ્લિમો માંસ ખાવાનું બંધ કરશે તો અનાજનું સંકટ ઊભું થશે. મોદી સામે નિશાન તાકતાં આઝમ ખાને જણાવ્યું હતું કે જે વ્યક્તિ પોતાની માતા અને પત્નીની થઈ શકી નહીં તે વ્યક્તિ હિન્દુસ્તાનની પ્રજાનો શું ખ્યાલ રાખશે ?

You might also like