સંંબંધોના આટાપાટા

પ્રેમ અને આકર્ષણ આ બંને શબ્દ સ્વાર્થી લોકોને એક જ લાગે છે. વાસ્તવમાં એવું નથી હોતું. પ્રેમ અદ્ભુત ચીજ છે. તે અવર્ણનીય છે. તેનામાં ગજબની તાકાત રહેલી છે. પ્રેમમાં પડેલી વ્યક્તિને આખું વિશ્વ શ્રેષ્ઠ લાગે છે. તેને દુશ્મનો પણ મિત્ર લાગે છે. જે ખરેખર પ્રેમી છે. તેને માટે કોઈ દુશ્મન નથી હોતું.

ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી વચ્ચેનો પ્રેમ ખરેખર ખૂબ ઊંચો તથા દિવ્ય  હતો.આકર્ષક બે દેહ વચ્ચે થાય છે. તમને કોઈ સ્ત્રી પ્રત્યે લગાવ થયો. તેનાં પ્રત્યે આકર્ષણ થયું. તમે એમ સમજવા લાગો છો કે મને તે સ્ત્રી પ્રત્યે પ્રેમ થયો. આ‍વું ખરેખર નથી હોતું. આ તો બે દેહ વચ્ચે ઊભી થયેલી એકમેક પ્રત્યેની પૂર્વ જન્મની લાગણીનો ધોધ હોય છે. આકર્ષણ અલ્પકાલીન હોય છે. પ્રેમ શાશ્વત તથા ચિરકાલીન હોય છે.

આકર્ષણ સૌ પ્રથમ આવે છે. એક ખેંચાણ. તમે કોઈના તરફ આકર્ષાવ છે. પરંતુ તમને જેનું આકર્ષણ થાય છે. તે સહેલાઈથી મળી જાય તો તેનો આનંદ માર્યો જાય છે તે ઝડપથી શમી જાય છે. બીજી તરફ તમે જેના તરફ આકર્ષાયા છો તેને પામવાનું થોડું મુશ્કેલ હોય તો તમને તેના પ્રત્યે પ્રેમ જાગવા માંડે છે. શું તમે આવું અનુભવ્યું છે? શું તમે આવું અવલોકન કદી કર્યું છે ખરું?

હવે તમે પ્રેમમાં પડ્યા પછી શું થાય છે? થોડા સમય બાદ સંબંધોના આટાપાટા શરૂ થાય છે. તમે કોઈને ચાહો છો. માટે તમે તમારી જાતને તેના પ્રતિ સમર્પિત કરી દો છો? ત્યાર બાદ એ સંબંધને આધારે તમારી માગણીઓ શરૂ થાય છે. 

હવે જેવી તમારી માગણી શરૂ થાય છે તેવો જ પ્રેમ ઘટવા લાગે છે. બધો જ ઉત્સાહ, આનંદ, વિસરવા ઓસરવા લાગે છે. તે પછી તમને પસ્તાવો થતાં તમે કહેવા લાગો છો, “ઓહ આ તો મારી પરમ ભૂલ હતી.” હવે તમે તેમાંથી છૂટવા ધમપછાડા કરવા લાગો છો. તેની સામે જ દુઃખની શરૂઆત થાય છે.

યેનકેનપ્રકારેણ તમે તેમાંથી છૂટ્યા. થોડા વખત પછી એક નવું ચક્કર શરૂ થાય છે. ત્યાર બાદ ઉપરની વાર્તા શરૂ થાય છે. આનો કોઈ અંત નથી.

તમે જ્યારે કોઈને ચાહો છો ત્યારે તમે તેને શ્વાસ લેવાનો મોકો પણ નથી આપતા. તમે તેના પર છવાઈ જવાની સંપૂર્ણ કોશિશ કરો છો. તમે તેને વ્યક્તિત્વથી ગૂંગળાવવાનું શરૂ કરો છો. આ ગૂંગળામણ તમારા પ્રેમનો ભોગ લે છે. જો તમે સામી વ્યક્તિને થોડી છૂટ આપશો તો તમારે પ્રેમ અકબંધ રહેશે.

આત્માનો પ્રેમ દિવ્ય હોય છે. તેનામાં આકર્ષણ હોતું નથી. પ્રેમ હંમેશાં આપવામાં માને છે. જે ખરેખર પ્રેમ કરે છે તેને લેવાનું નથી ગમતું. તે તો ફક્ત અને ફક્ત તેનો પ્રેમી કે તેની પ્રેમિકા કઈ રીતે ખુશ થાય? કઈ રીતે વધુને વધુ સુખી થાય તે જોવામાં જ પોતાનાં જીવનનો આનંદ દર્શાવે છે.

ભગવાન શ્રીકૃષ્ણને પૂજન રાધાજી માટે આત્માનો દિવ્ય પ્રેમ હતો. રાધાજી તેમનો આત્મા હતાં. ભલે બંનેના શરીર જુદાં હતાં પરંતુ મન તો એક જ હતું. આ જગતમાં રાધા કૃષ્ણ જેવો દિવ્ય પ્રેમ બહુ ઓછાને થાય છે. દિવ્ય પ્રેમ શરીર ભોગવવાનો વિચાર નથી કરતો. શરીર ભોગવવાનો વિચાર આવે એટલે સમજી જજો કે આ પ્રેમ નહીં ફક્ત અને ફક્ત આકર્ષણ છે. જે તમારી જરૂર પૂરી થતાં આકર્ષણનાં પૂર ઓસરવાં લાગશે.

– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like