શ્રેષ્ઠ ગુજરાતી નાટકોમાં સ્થાન પામેલ 'ચિત્કાર' નાટક વિષે થોડું જાણીએ

ભગવાને માણસનું  ઘડતર  અન્ય પશુ પક્ષીથી અલગ કર્યું છે. તેનામાં લાગણીઓ મૂકી છે. પરંતુ એવું લાગે છે કે આ કળીયુગમાં કાળા માથાના માનવીના મનમાંથી લાગણીઓ જ ખલાસ થઇ ગઈ છે. 70ના દાયકાના અંતમાં રજુ થયેલ અને  લતેશ શાહે લખેલ અને દિગ્દર્શિત કરેલ  અદભૂત નાટક ‘ચિત્કાર’માં આ જ વસ્તુનું નિરૂપણ થયું છે. એક પાગલ વ્યક્તિ સજી સમી થાય છે અને અન્ય લોકોની જેમ સામાન્ય જીંદગી જીવવા માથે છે અને તેના માટે પુરતી કોશિશ પણ  પરંતુ દુનિયા કઈ રીતે સ્વીકારે? દુનિયા માનવા તૈયાર જ નથી કે તે વ્યક્તિ પાગલ નથી રહી પરંતુ બિલકુલ તમારા મારા જેવી સામાન્ય વ્યક્તિ છે. તે વ્યક્તિ  ઉપર એટલો તે માનસિક ત્રાસ ગુજારે છે કે આખરે તે વ્યક્તિ પાછી પાગલ બની જવા મજબુર થઇ જાય છે. અને આ રીતે એક સજી સમી વ્યક્તિ ગાંડી થઇ જાય છે. 

શું આ જ છે આપણો સમાજ? શારીરિક કે માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને સમાજમાં  જીવવાનો હક નથી? અરે ઉલટું આપણી ફરજ બને છે કે આપણે તે વ્યક્તિને બનતી મદદ કરીએ અને તેને તેની ખરાબ દશામાંથી બહાર લાવવા માટે મદદરૂપ થઈએ. એકદમ સંવેદનશીલ વિષયને નાટ્યમંચ પર લાવવામાં લતેશ શાહ બિલકુલ સફળ રહ્યા હતા આમ પણ તેઓ લોકો સુધી નાટકો દ્વારા  સામાજિક સંદેશા પહોચાડવા માટે જાણીતા છે. તેમના નાટકોને તો પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈ, શેખર કપૂર અને વિજયાલક્ષ્મી પંડિતે પણ વખાણ્યા હતા. આ સાથે અભિનયમાં મેદાન મારી ગઈ હતી ગુજ્જુ અભિનેત્રી સુજાતા મહેતા.

‘ચિત્કાર’ નાટક 800 સ્ટેજ શો સાથે વિશ્વ વિક્રમ પણ ધરાવે છે. નાટકની પૃષ્ઠભૂમિ કઈક આવી છે. સુજાતા મહેતા માનસિક રીતે અસ્વસ્થ યુવતીની ભૂમિકામાં છે અને તેને એક પાગલખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે. જે ડોક્ટર તેની સારવાર કરતો હોય છે તે તેના પ્રેમમાં પડી જાય છે. યુવતીને તે એકદમ સાજી કરી દે છે અને બંને લગ્ન કરે છે. અહીંથી નાટક વળાંક લે છે. એક ગાંડપણની પરિસ્થિતિમાંથી બહાર આવીને સ્વસ્થ જિંદગી જીવતી યુવતી લોકોને આંખમાં કણાની જેમ ખટકે છે. લોકો સતત તેના પર  શાબ્દિક મારો ચલાવે છે. અને આખરે તે સજી સમી યુવતીને પાગલ બનાવીને ઝંપે છે. આ છે આપણી દુનિયા.  

સુજાતા મહેતા પોતે નાટ્યમંચ પરિવારની જ હોવાથી માનસિક અસ્વસ્થ યુવતીની ભૂમિકા તેણે દમદાર બનાવી દીધી હતી. સુજાતા પોતે સાઈકોલોજી ભણેલી છે. આ બાજુ લતેશ શાહે પણ જાનદાર અભિનય કર્યો હતો. નાટકને દેશ વિદેશમાં ગજબનો રિસ્પોન્સ મળ્યો હતો. અન્ય ભાષાઓ જેમ કે  મરાઠી, બંગાળી, તમિલ, મલયાલમ, કન્નડ, હિન્દી વગેરેના નાટકો ખુબ પ્રસિદ્ધિ પામે છે. જયારે ગુજરાતીમાં નાટકોને પસંદ કરનારો એક ચોક્કસ વર્ગ હોય છે. પરંતુ ‘ચિત્કાર’ નાટકે તે સમયે લોકોમાં સોપો પાડી દીધો હતો. આ નાટક જો તમને ગમે ત્યારે પણ જોવા મળે તો અવશ્ય જોજો. ઈન્ટરનેટ તો એક એવું માધ્યમ છે કે તમને બધું મળી રહે.

 

 

You might also like