શ્રીલંકાની સંસદીય ચૂંટણીમાં મહિન્દા રાજપક્ષેએ પોતાની હાર કબૂલી લીધી  

કોલંબો: શ્રીલંકાના પૂર્વ પ્રમુખ મહિન્દા રાજપક્ષેએ આજે સંસદીય ચૂંટણીનાં અંતિમ પરિણામોની જાહેરાત પહેલાં જ પોતાની હાર કબૂલી લીધી છે. ૬૯ વર્ષના રાજપક્ષેએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી યુનાઈટેડ પિપલ્સ ફ્રીડમ અલાયન્સ (યુપીએફએ) વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના યુનાઈટેડ નેશનલ પાર્ટી (યુએનપી) સાથેની જોરદાર ટક્કરમાં હારી ગઈ છે. બે વખત પ્રમુખ રહી ચૂકેલા રાજપક્ષેને ટાંકીને મીડિયામાં એવા અહેવાલો જારી કરવામાં આવ્યા છે કે તેમણે સારી લડત આપીને પરાજયનો સ્વીકાર કર્યો છે.

રાજપક્ષેએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી યુપીએફએને આઠ જિલ્લામાં વિજય પ્રાપ્ત થયો છે. જ્યારે વિક્રમસિંઘેની પાર્ટી યુએનપીએ કુલ ૨૨માંથી ૧૧ જિલ્લામાં વિજય પ્રાપ્ત કર્યો છે. ચૂંટણીનાં પરિણામોમાં યુએનપી કે યુપીએએફને બેમાંથી કોઈને ૨૨૨ સભ્યના ગૃહમાંથી ૧૧૩ સભ્યની સામાન્ય બહુમતી મળે તેવું જણાતું નથી.

યુએનપીને મોટાભાગના ચૂંટણી ઝોનમાં વોટ મળ્યા છે. જ્યારે યુપીએફએને જાન્યુઆરીમાં થયેલી પ્રમુખની ચૂંટણીની થયેલી તુલનાએ વધુ મતોનું નુકસાન ભોગવવું પડ્યું છે. આખરી પરિણામ પ્રત્યેક પક્ષ દ્વારા જીતવામાં આવેલા જિલ્લાઓની સંખ્યાઓ પર આધારિત રહેશે. ઉત્તરના તમિળ જિલ્લાઓમાં તમિળ નેશનલ અલાયન્સ (ટીએનએ) એક પક્ષીય વિજય હાંસલ કરે તેવા નિર્દેશો મળી રહ્યા છે. પ્રારંભિક પરિણામોમાં જોવા મળ્યું છે કે ટીએનએ જાફના જિલ્લામાં લગભગ ૬૦ ટકા વોટ સાથે વિજય મેળવશે.

પ્રમુખ મૈત્રીપાલા સીરી સેનાએ સંકલ્પ કર્યો છે કે જો રાજપક્ષેના યુપીએફને બહુમતી મળશે તો પણ તેઓ રાજપક્ષેને વડાપ્રધાન બનવા દેશે નહીં. ચૂંટણી કમિશનર દેશપ્રિયાએ જણાવ્યું હતું કે બપોર સુધીમાં તમામ પક્ષોની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

You might also like