શ્રીલંકાની ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે જેરોમ જયારત્ને  

નવી દિલ્હીઃ શ્રીલંકાની ટીમને નવો કોચ મળી ગયો છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પૂર્વ ખેલાડી જેરોમ જયારત્નેની ટીમના નવા ઇન્ટરીમ કોચ તરીકે નિમણૂક કરી છે. જયારત્ને વેસ્ટ ઇન્ડિઝ ખાતે અોક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી સિરીઝમાં શ્રીલંકન ટીમના કોચ તરીકે ભૂમિકા ભજવશે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે માર્વન્ત અટ્ટાપટ્ટુના સ્થાને હવે જેરોમ જયારત્નને કોચ બનાવ્યો છે. જેરોમ જયારત્નેઅે શ્રીલંકા માટે કોઈ અાંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ૪૯ વર્ષના જયારત્નેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો સારો અનુભવ છે. અા ઉપરાંત તેને કોચીંગની ટ્રેનીંગ ક્રિકેટ અોસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પાસેથી લીધી છે. શ્રીલંકામાં કોચિંગ કરવાનો તેને શ્રેષ્ઠ અનુભવ છે. જયારત્ને જ્યારે શ્રીલંકા ક્રિકેટ એકેડમીમાં કોચ તરીકે હતો ત્યારે અનેક ખેલાડીઅો અાંતરરાષ્ટ્રીય સ્તરે અાવવામાં સફળ રહ્યા હતા. અા ખેલાડીઅોમાં ઉપુલ થરાંગા, ચમીરા કપુગેન્દરા, દિલરુવન પરેરા અને અજન્ટા મેન્ડિસ જેવા ખેલાડીઅોનો સમાવેશ થાય છે.  અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ભારત સામે પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને અટ્ટાપટ્ટુઅે શ્રીલંકન ક્રિકેટ ટીમના કોચ પદેથી રાજીનામું અાપ્યું હતું. અા બીજીવાર એવું થયું હતું કે જ્યારે શ્રીલંકાને એક જ વર્ષમાં બે ડોમેસ્ટિક સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અટ્ટાપટ્ટુ ગઈ સાલ સપ્ટેમ્બરમાં શ્રીલંકન ટીમના કોચ બન્યા હતા. જો કે મુખ્ય કોચ અેપ્રિલ ૨૦૧૪માં બન્યા હતા. એટલું જ નહીં અટ્ટાપટ્ટુ ૨૦૧૧થી ટીમની બેટિંગ માટે કોચિંગ કરી રહ્યો હતો. દક્ષિણ અાફ્રિકાના ગ્રેહામ ફૌર્ડ કે શ્રીલંકાના ચંડિકા હથરુસિંગેને નિયુક્ત કરવાની યોજના પહેલા અા વચગાળાની નિમણૂક કરવામાં અાવી છે. 
You might also like