શ્રીમદ્ ભગવદ્ગીતાનું પ્રાગટ્ય

શ્રીમદ્ ભગવદ્ગીતાનું વ્યાપક પ્રકાશન અને વાચન થયું છે પણ તે મૂળ પ્રાચીન જગતના ઐતિહાસિક સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાં એક પ્રસંગરૂપે ઉદ્ભવી હતી. મહાભારત વર્તમાન કળિયુગ સુધીની ઘટનાનું નિરુપણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મિત્ર તથા ભકત અર્જુનને આ યુગના આરંભ સમયે લગભગ પ,૦૦૦ વર્ષ પૂર્વે શ્રીમદ્ ભગવદ્ગીતા કહી હતી.

ધૃતરાષ્ટ્રના ૧૦૦ પુત્ર તથા તેમના પિતરાઇ ભાઇ પાંડવ વચ્ચે થયેલા ભાતૃઘાતી મહાયુદ્ધના પ્રારંભે માનવ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ દાર્શનિક તથા ધાર્મિક એવો આ સંવાદ ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયો છે.

ધૃતરાષ્ટ્ર તથા પાંડુ કુરુવંશમાં જન્મેલા ભાઇઓ હતા. જેના નામ પરથી મહાભારત નામ પડયું છે. તે પૂર્વે થયેલા ચક્રવર્તી મહારાજ ભરતના વંશમાંથી કુરુવંશ ઊતરી આવ્યો છે. મોટાભાઇ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હોવાથી જે રાજ્ય સિંહાસન તેમને મળવાનું હતું તે નાના ભાઇ પાંડુને મળ્યું.

પાંડુ જ્યારે યુવાન વયે અવસાન પામ્યા ત્ભ્યારે તેમના પાંચ પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવને ધૃતરાષ્ટ્રની સંભાળ હેઠળ મૂકવામાં આવ્યા. વસ્તુતઃ ધૃતરાષ્ટ્ર થોડા સમય માટે રાજા બન્યા હતા. તે રીતે ધૃતરાષ્ટ્રના પુત્રો તેમજ પાંડુના પુત્રો એક સમાન રીતે રાજપરિવારમાં ઉછર્યા હતા. શસ્ત્રાસ્ર‌િવદ્યા વિશારદ્ ગુરુ દ્રોણાચાર્ય દ્વારા તે બધાને શસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું હતું. તેમને કુરુવંશના પૂજ્ય પિતામહ ભીષ્મ યોગ્ય માર્ગદર્શન આપતા હતા.

આમ છતાં ધૃતરાષ્ટ્રના પુત્રો તેમાંય ખાસ કરીને સૌથી મોટો પુત્ર દુુર્યોધન પાંડવો પ્રત્યે દ્વેષભાવ રાખતો હતો. તેમની ઇર્ષ્યા કર્યા કરતો હતો તેમજ અંધ તથા દુર્બળ મનવાળા ધૃતરાષ્ટ્ર પાંડવોને નહીં પરંતુ પોતાના પુત્રોને રાજ્યાધિકાર વારસામાં મળે તેવું ઇચ્છતા હતા. એ રીતે દુર્યોધને ધૃતરાષ્ટ્રની સંમતિથી પાંડુના યુવાન પુત્રોને મારી નાખવાનું કાવતરું કર્યું પણ કાકા વિદુર તથા મામેરા ભાઇ શ્રીકૃષ્ણનાં કાળજીભર્યા રક્ષણને લીધે જ પાંડવો તેમનું મૃત્યુ નીપજાવવાના અનેક પ્રયાસમાંથી ઉગરી ગયા હતા.

ભગવાન શ્રીકૃષ્ણ કોઇ સાધારણ મનુષ્ય નહોતા. તેઓ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ હતા. જેમણે સ્વયં પૃથ્વી પર અવતરણ કર્યું હતું. તેઓ તે સમયે રાજવંશના રાજકુમારની ભૂમિકા ભજવી રહ્યા હતા. આ ભૂમિકામાં ભગવાન શ્રીકૃષ્ણ મહારાજ પાંડુની પત્ની તેમજ પાંડવોની માતા કુંતી અથવા પૃથાના ભત્રીજા પણ થતા હતા. તે રીતે સગા તરીકે તેમજ શાશ્વત ધર્મના સંરક્ષકરૂપે ભગવાન શ્રીકૃષ્ણ સદાય સત્યનિષ્ઠ પાંડુ પુત્રોના પક્ષે રહ્યા હતા.

કપટી દુર્યોધને જુગટું રમી પાંડવોને છેતરી રાજ પડાવી લીધું તે પછી પાંડુ પુત્રો ૧૪ વર્ષ વનમાં ગયા. અંતે મહાભારતનું યુદ્ધ થયું. બંને પક્ષે અસંખ્ય સૈનિક વીરગતિ પામ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને વિમોહ થતાં તે યુદ્ધની ભયંકરતાથી ડરી યુદ્ધ ન કરવા ઇચ્છતો હતો. શ્રીકૃષ્ણે તેને મેદાનમાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું જ્ઞાન આપી પોતાનું વિશ્વસ્વરૂપ બતાવી તેનો મોહ દૂર કર્યો. આમ શ્રીમદ્ ભગવદ્ગીતાની રચના થઇ.•

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like