શ્રીમદ્ગ ભગવદગીતા માહાત્મ્ય

શ્રી પૃથ્વીદેવીએ પૂછયુંઃ હે ભગવન્! હે પરમેશ્વર! હે પ્રભો! પ્રારબ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભકિત કેવી રીતે પ્રાપ્ત થાય છે. શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યાઃ પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં આસકત હોય એ જ આ લોકમાં મુકત અને સુખી થાય છે અને કર્મથી લેપાતો નથી. જેમ કમળનાં પાનને જળ સ્પર્શ કરતું નથી તેમ જે ગીતાનું ધ્યાન કરે છે તેને મહાપાપાદિ પાપો કદી સ્પર્શ કરતાં નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગાદિ સર્વ તીર્થો રહે છે.
 
જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગીઓ, નાગો અને ગોપાલ બાલ શ્રીકૃષ્ણ પણ નારદ, ધ્રુવ અને સર્વ પાર્ષદો સાથે જલદી સહાયક થાય છે. જ્યાં ગીતાનો વિચાર, પઠન કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી! હું અવશ્ય સદાય વસું છું. હું ગીતાના આશ્રયે રહું છું. ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકનું પાલન કરું છું. ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી, અવિનાશી, અર્થમાત્રા તથા અક્ષરોરૂપ મારી નિત્ય, બ્રહ્મરૂપિણી અને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે, એમાં સંશય નથી. વળી એ ચિદાનંદ શ્રીકૃષ્ણે પોતાના મુખથી અર્જુનને કહેલી, ત્રણેય વેદરૂપ, પરમાનંદ અને તત્ત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુકત છે.
 
જે મનુષ્ય સ્થિર મનવાળો થઇ નિત્ય ગીતાના અઢારેય અધ્યાયનો જપ કરે છે એ જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને પછી એ પરમ પદને પ્રાપ્ત થાય છે.સંપૂર્ણ પાઠ કરવા અસમર્થ હોય તો અરધો પાઠ કરે તો પણ એ ગાયના દાનથી થતાં પુણ્યને પામે છે. એમાં સંશય નથી. ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ પામે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનંુ ફળ પામે છે. જે મનુષ્ય ભકિતયુકત થઇ નિત્ય એક અધ્યાયનો પણ પાઠ કરે છે એ રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઇ લાંબો કાળ વસે છે.
 
હે પૃથ્વી! જે મનુષ્ય નિત્ય એક અધ્યાય કે, શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે એ મન્વંતર સુધી મનુષ્યપણાને પામે છે. જે મનુષ્ય ગીતાના દસ, સાત, પાંચ, ચાર, ત્રણ, બે, એક કે અડધા શ્લોકનો પાઠ કરે છે એ અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાના પાઠમાં જોડાઇને મરણ પામેલો મનુષ્ય (પશુ આદિનો અધમ દેહ ન પામતાં) મનુષ્યપણું પામે છે અને ત્યાં ગીતાનો ફરી અભ્યસ કરી ઉત્તમ મુક્તિ પામે છે.  ગીતા એવા ઉચ્ચાર સહિત મરે છે એ સદ્ગતિ પામે છે. 
 
મહાપાપવાળો પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર થાય તો વૈકુંઠ પામે છે અને વિષ્ણુની સાથે આનંદ પામે છે. જે અનેક કર્મો કરી નિત્ય ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવનમુકત જાણવો અને અને મરણ પછી તે પરમપદને પામે છે. ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપરહિત  થઇ લોકમાં ગવાયા છે અને પરમ પદ પામ્યા છે.
 
ગીતાનો પાઠ કરી માહાત્મ્યનો પાઠ જે કરતો નથી એનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમરૂપ જ કહ્યો છે. આ માહાત્મ્ય સહિત ગીતાનો અભ્યાસ જે કરે છે એ ને ફળ પામે છે અને દુર્લભ ગતિ પામે છે. સૂત બોલ્યાઃ ગીતાનું આ સનાતન માહાત્મ્ય મેં કહ્યું, ગીતાના પાઠના અંતે આનો પાઠ જે કરે છે તે ઉપર જે કહ્યું એ ફળ પામે છે. 
You might also like