શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસઃ બમ બમ ભોલેનાં નાદથી શિવાલયો ગુંજ્યા

અમદાવાદ: દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. એક માસ સુધી અમદાવાદ શહેર સહિત રાજ્યભરના શિવાલયોમાં શિવભક્તોની ભીડ ઉમટી પડશે અને હર હર મહાદેવના નારાથી શિવમંદિરો ગુંજી ઉઠશે. દરેક શિવમંદિરોમાં દૂધ અભિષેક, બિલ્વ પૂજા, રૂદ્રાભિષેક સહિતની વિશિષ્ટ પૂજાવિધિ યોજાશે.શ્રાવણ માસ નિમિત્તે રાજ્યના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર, ઘેલા સોમનાથ, ગોપનાથ, ઉત્કંઠેશ્વર, ગળતેશ્વર, નારેશ્વર (નર્મદા કિનારે) જેવા મહાદેવના મંદિરોમાં શિવપૂજા માટે ભાવિક-ભક્તોની ભારે ભીડ જામશે. અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ચકુડિયા મહાદેવ સદાવ્રત ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે રોજ સવારના સમયે મહાઆરતી, સવામણ દૂધનો અભિષેક સવા લાખ બિલિપત્ર ચઢાવાશે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે સાંજના બરફના શિવ લિંગના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે.અમાસના રોજ રાત્રીના ૧ર કલાકે મહાપૂજા કરાશે મહાદેવજીને સવામણ દૂધથી અભિષેક કરાશે. તેમજ રક્ષાબંધનના દિવસે ઘીના શિવ પરિવારના દર્શન ખુલ્લા મુકાશે અને જન્માષ્ટમીના રોજ  કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરાશે. શહેરના જોધપુર ખાતે બિલેશ્વર મહાદેવ, વેજલપુર ખાતે ઓમકારેશ્વર મહાદેવ, નંદિશ્વર મહાદેવ, રૂદ્રેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં શિવપૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.  વાસણા વિસ્તારમાં જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે પૂજન એપાર્ટમેન્ટ ખાતે પૂજન બ્રહ્મસમાજ દ્વારા તા. ૧૬મીને રવિવારના રોજ સાંજના રૂદ્રાભિષેકનું આયોજન કરાયું છે.
 
You might also like