શ્રાવણિયા જુગારીઓમાં હવે ઓનલાઈન તીનપત્તીનો ક્રેઝ

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ માસ બેસતાંની સાથે શ્રદ્ધાળુઓ બમ બમ ભોલેના નાદ સાથે ભક્તિ કરવામાં તલ્લીન થઇ ગયા છે. મહિનામાં જુગાર રમવાનું પણ શરૂ થઇ ગયું છે. પોલીસની ધરપકડથી બચવા માટે હવે ખેલીઓએ ઓનલાઇન જુગાર રમવાની પદ્ધતિ શોધી લીધી છે. 

શ્રાવણ મહિનામાં પોલીસની ખેલીઓ પોલીસની ધરપકડથી બચવા માટે હવે ઓનલાઇન તીન પત્તીની ગેમનો જુગાર રમવા માટે ઉપયોગ કરી રહ્યા છે. આ ગેમ મોબાઇલ કે ટેબલેટમાં  રમી શકાય છે. વર્ચુઅલ રૂપિયા દ્વારા તીન પત્તીની ગેમ રમાતી હોય છે. આ ગેમની ખાસિયાત એ છે કે કોઇપણ ગ્રૂપ અલગ અલગ જગ્યાએ બેઠેલા મિત્રો પણ ગ્રૂપ બનાવીને આ ગેમ રમતા હોય છે.

ચાર પાંચ દિવસ પહેલા જ મકરબા વિસ્તારમાં જુગારધામ ઉપર દરોડા પાડીને કેટલાક જુગારિયાની ધરપકડ કરી હતી. ત્યારે ગત વર્ષે શ્રાવણ મહિનામાં ચાંદખેડા વિસ્તારમાં ચાલતી કલબના સંચાલક દ્વારા જુગારિયાને પ્લેન મારફતે બેંગલોર જુગાર રમાડવા લઇ ગયા હતા જ્યાં પોલીસે દરોડા પાડીને કેટલાક વ્હાઇટ કોલર જુગારીઓની ધરપકડ કરી હતી.

આ સિવાય પણ અમદાવાદના વિવિધ જગ્યાએ પણ પોલીસે દરોડા પાડીને જુગાર રમતાં કેટલાંક તત્વોની ધરપકડ કરી હતી. તેવામાં જુગારીઓ ધરપકડથી બચવા માટે કેટલાક હથકંડા અપનાવી રહ્યા છે. હવે આવાં તત્ત્વો જુગાર રમવા માટે ઓનલાઇન તીન પત્તીનો સહારો લેશે ફેસબુક નામની સોશિયલ મીડિયા ઉપર તીન પત્તી ગેમ અત્યારે લોકોમાં ફેવરિટ છે. નવરાશના સમયે લોકો તીન પત્તીઓ ઉપર ગેમ રમતા હોય છે. જોકે હવે આ ગેમનો લોકો જુગાર માટે ઉપયોગ કરી રહ્યા છે.

જેના કારણે પોલીસ પણ જુગારીઓની ધરપકડ કરે નહી અને આરામથી આખો શ્રાવણ મહિનો પોતાના ગ્રૂપ સાથે જુગાર રમી શકે છે. કોઇ એક જ જગ્યાએ કે અલગ અલગ જગ્યાએ રહીને પણ ખેલીઓ ઓનલાઇન તીન પત્તીની ગેમ રમી શકશે. તીન પત્તીની ગેમમાં વર્ચુઅલ રૂપિયા અથવા તો પોઇન્ટની હાર જીતનો હિસાબ કરીને રૂપિયાની આપ લે થઇ શકે છે.

સાયબર ક્રાઇમ એકસ્પર્ટ વકીલ હીરલ ત્રિવેદીએ જણાવ્યુ છેકે જુગારીઓ જુગાર રમતાં પકડાય તો તેમના ઉપર જુગાર અધિનિયમ એક્ટ 1887 મુજબ ગુનો દાખલ થાય છે જેમાં 9 મહિનાની કેદ અને દંડની જોગવાઇ છે.જોકે ઓનલાઇન તીન પત્તીની આડમાં રમાતા જુગારને લઇને પોલીસ અંધારામાં છે. જો ઓનલાઇન રમતા જુગારીઓ પોલીસના હાથમાં પકડાય તો ઓનલાઇન ગેમ્બલિંગનેે લઇને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટમાં કોઇ જોગવાઇ કરવામાં આવી નથી જેના કારણે કોઇ ગુનો દાખલ થઇ શકતો નથી.

ક્રાઇમ બ્રાંચના સાયબર સેલના પીએસઆઇ તરલ ભટ્ટે જણાવ્યું છેકે અમારા ધ્યાને આવી ગેંગ સામે આવી છે જે ઓનલાઇન જુગાર રમાડે છે. જેમાં આઇટી એક્ટ એઠળનો ગુનો દાખલ થાય છે. પત્તાંની અવેજમાં અમે મુદ્દામાલ તરીકે મોબાઇલ રિકવર થઇ શકે છે. ખેલૈયાઓ ગ્રૂપ બનાવીને આ જુગાર રમતા હોય છે અને નિયત કરેલ પ્લાનિંગ મુજબ રૂપિયાની લેતી દેતી થઇ હોય છે.

You might also like